પાટણના રશિયન નગરના લોકો છેલ્લા ત્રણ માસથી પાણી માટે મારી રહ્યા છે વલખા..
રશિયન નગરની પાણીની સમસ્યા નું ત્વરિત નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી..
પાટણ તા. 23
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, પીવાના પાણી માટેની સમસ્યાઓ, સ્વચ્છતા માટેની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને હાલમાં પાટણના નગરજનો અનેક યાતના ભોગવી રહ્યા છે.
ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી પાણી માટે વલખા મારતા શહેરના રશિયન નગરના રહીશોએ ગુરૂવાર ની બપોરે થાળી વેલણ વગાડતા વગાડતા પાલિકા કેમ્પસ ખાતે આવી પ્રમુખની ચેમ્બર સમક્ષ માટલા ફોડ નો કાર્યક્રમ આયોજિત કરી પાણી માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રશિયન નગરની મહિલા ઓએ પોતાની વ્યથા મીડિયા કર્મીઓ સમક્ષ ઠાલવતા જણાવ્યું હતું કે રશિયન નગરમાં છેલ્લા ત્રણ માસથી પાણીની સમસ્યા ઉદભવવા પામી છે. તો આ બાબતે પાલિકાના સત્તાધીશો અને આ વિસ્તારના કોર્પોરેટર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાણીની સમસ્યા નું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી જેના કારણે ના છૂટકે રહીશોને પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. પાણીને લઈને મહિલાઓને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી હોય નગરપાલિકાના નિયમિત વેરા ભરવા છતાં પણ રશિયન નગરના રહીશોને પાણી માટે છેલ્લા ત્રણ મહિનાથી વલખા મારવા પડતા હોય મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી માટલા ફોડી થાળી વેલણ વગાડી પાલિકા કેમ્પસ ગજવી મૂક્યું હતું. અને વોટરવર્ક શાખાના અધિકારીને આ મામલે રજૂઆત કરી રશિયન નગરના પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા વિનંતી કરી હતી. અને જો રશિયન નગરની પાણીની સમસ્યાનુ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા વિરુદ્ધમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચિમકી મહિલાઓએ ઉચ્ચારી હતી.