ગુજરાત સેવન બટાલિયન મહેસાણા ના કમાન્ડિંગ ઓફિસરની કા. કુલપતિ સાથે બેઠક યોજાઈ..
પાટણ તા. 4
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આગામી સમયમાં એનસીસીના કેડેટ્સ માટે ફાયરીંગ રેન્જની સુવિધા ઉભી ઉપલબ્ધ બને તે માટે ગુજરાત સેવન બટાલિયન મહેસાણાના કમાન્ડિંગ ઓફિસર વિક્રમ મહેતા અને સુબેદાર મેજર દ્વારા પાટણ યુનિવર્સિટીના કા. કુલપતિ ડો.રોહિત દેસાઈ ની મુલાકાત લઈ યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ રેંજ અને વિઘ્ન દોડ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવા મા આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ના કા. કુલપતિ ની મુલાકાત દરમિયાન એનસીસી ૭ બટાલિયનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના એનસીસીના કેડેટ્સને તેમના વાર્ષિક કેમ્પ અંતર્ગત ફાયરિંગ રેન્જ બાબતે પાટણ જિલ્લામાં સુવિધા ઉપલબ્ધ ન હોય મહેસાણા કે અન્યત્ર જવું પડે છે. જો પાટણ યુનિવર્સિટી દ્વારા અહીંના કેમ્પસમાં પાછલ ના ભાગમાં ફાયરિંગ રેન્જ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે તો એનસીસી ક્રેડિટ્સને ટ્રેનિંગ બાબતે જિલ્લા કક્ષાએ ઘણી સારી સગવડતા મળી શકે તેમ છે અને આ સુવિધા ઉપલબ્ધ બનાવવા પાછળ અંદાજિત રૂ.4 લાખ જેટલો ખર્ચ થાય તેમ હોવાનું પણ કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું.
કમાન્ડિંગ ઓફિસરની આ રજૂઆત બાબતે યુનિવર્સિટીના કા. કુલપતિ ડો. આર.એન. દેસાઈ અને ઈ.રજીસ્ટ્રાર ડો. ચિરાગ પટેલ દ્વારા યુનિવર્સિટી વતી હકારાત્મક પ્રતિભાવ દર્શાવવામાં આવ્યો છે. આગામી સમયમાં મળનાર સિન્ડિકેટની બેઠકમાં આ બાબત મૂકવા નક્કી કરાયું હતું.આ રજૂઆત સમયે પાટણ સાયન્સ કોલેજના NCC કમાન્ડિંગ ઓફિસર L.S. ભુતડીયા અને યુનિવર્સિટી ના એનસીસી ઓફિસર જય ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એનસીસી કેડેટ્સ માટે ટૂંકા અંતર ની ફાયરિંગ રેન્જની સુવિધા યુનિવર્સિટી દ્વારા તેના કેમ્પસમાં ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવે તો એનસીસીના કેડેટ્સને પોઇન્ટ ટુ-ટુ એટલે કે ૨૫ મીટરની મર્યાદા માં ફાયરિંગ ની સુવિધા તેમજ વિઘ્ન દોડ માટેની સુવિધા મળી શકશે. એનસીસી સેવન બટાલિયન અંતર્ગત પાટણ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે, જેનો દર વર્ષે વાર્ષિક એનસીસી કેમ્પ યોજાય છે, જેમાં ડ્રીલ ઉપરાંત નાના હથિયાર સાથે ફાયરીંગ અંગેની પણ તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસ મા ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ બને તે માટે ચક્રો ગતિશીલ બનાવાશે તેવું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.