શિબિરમાં જોડાયેલા વિદ્યાર્થીઓને બેન્કિંગ ક્ષેત્રનું માર્ગદર્શન અપાયુ તો વિદ્યાર્થીઓએ 51 બોટલ બ્લડ આપ્યું..
પાટણ તા. 20 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના એસ કે કૉલેજ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ ખાતે ગુરૂવારે સ્વરોજગાર તાલીમ શિબિર અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા રાજેન્દ્ર ચેટરજીએવિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્રે ભારતમા રોજગારીની વિશાળ તકો રહેલી છે.
ત્યારે મેનેજમેન્ટના વિદ્યાર્થિઓ માટે કારકિર્દી વિષયક જાણકારી તેમણે આપી હતી. સાથે સાથે તેમણે સ્વરોજગારી ઉભી કરવા માટે સરકારની યોજનાઓ અમલમાં છે તેની વિસ્તૃત સમજ આપી હતી. પાટણ બ્રાન્ચના મેનેજર સંતોષ ચૌધરીએ વિધાર્થીઓને વીમા ક્ષેત્રે કારકિર્દી અને સરકારની વીમા યોજનાઓ વિશે તેમજ સ્ટાર્ટઅપ યોજના વિષે માગૅદશૅન આપ્યું હતું. પાટણ ખાતે ચાલતા સ્વ રોજગાર ગ્રામીણ સંસ્થાન ના સંચાલક ડૉ. રુદ્રેશ ઝૂલા દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ તેની યોજનાઓ અને પાટણ ખાતે અપાતી તાલીમની જાણકારી આપી હતી.
પાટણ એલ ડી એમ કુલદીપ એ ગેહલોત દ્વારા બેન્કિંગ ક્ષેત્રની કામગિરી અને તેના માટે જરૂરી કૌશલ્ય વિશેની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રેડક્રોસના ડૉ. દિનેશભાઈ પટેલ દ્વારા યુવા વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશનનુ મહત્વ અને સમાજ સેવા માટે તેમણે કરેલું યોગદાન સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા 51 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ સાથે વિદ્યાર્થીઓના બ્લડ ટેસ્ટ કરી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિભાગના પ્રોફેસર ડૉ જયભાઈ ત્રિવેદી , ડૉ. આનંદભાઇ પટેલ સહિત ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યુ હતું.
અહેવાલ યશપાલ સ્વામી