વેરા શાખાની 10 ટીમોએ 15 હજારથી વધુ બાકી મિલકત ધારકોને બિલોની બજવણી કરી..
હજુ અંદાજીત 40 હજારથી વધુ બાકી વેરા મિલકત ધારકોને ડોરટુડોર બાકી બિલો પહોંચતા કરાશે.
પાટણ તા. 20 પાટણ નગરપાલિકા ખાતે વર્ષ 2023 ના એડવાન્સ વેરા ભરપાઈ કરવાની મુદત જૂન માસમાં પૂર્ણ થઈ હોય હવે બાકી મિલકત ધારકોને પોતાનો વેરો ભરપાઈ કરવા નગરપાલિકાની વેરા શાખા દ્વારા જુદી જુદી 10 ટીમો બનાવી બાકી મિલકત ધારકોને પોતાના બાકી બિલોની બજવણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે હાલમાં પાલિકા ની વેરા શાખાની આવક વધતાં પાલિકા ની વેરા શાખાનો પ્રયાસ સફળ બન્યો હોય તેવું વેરા શાખા ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે માહિતી આપતા વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ પાટણ નગરપાલિકા દ્વારા જૂન માસના એન્ડ સુધીમાં નવા વર્ષના વેરા સ્વીકારવાની અવધી પૂર્ણ થતા બાકી રહેલા મિલકત ધારકોના વેરાની ભરપાઈ માટે નગરપાલિકાની વેરા શાખા દ્વારા જુદી જુદી 10 ટીમો બનાવી મ્યુનિસિપલ વોડૅ મુજબ અત્યાર સુધીમાં 15 હજારથી વધુ નવા તેમજ જુના બાકી વેરા મિલકત ધારકોને પોતાના બાકી બિલોની બજવણી કરવામાં આવી છે.
તો હજુ અંદાજીત 40 હજારથી વધુ જુના નવા બાકી વેરા મિલકત ધારકોને તેઓના બાકી બિલો ડોર ટુ ડોર પહોચાડવાની કામગીરી હાલમાં પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. તો બાકી વેરા મિલકત ધારકો પણ પોતાના બાકી વેરાની રકમ ભરપાઈ કરવા પાલિકા ની વેરા શાખામાં આવતાં હાલમાં વેરા શાખાની આવકમાં પણ વધારો થયો છે અને છેલ્લા 20 દિવસમાં પાલિકાની વેરા શાખા મા અંદાજીત રૂ. 40 લાખની બાકી વેરાની રકમ જમા થઈ હોવાનું અને તેના કારણે પાલિકા ની આર્થિક સ્થિતિમાં પણ મહદ અંશે સુધારો થઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી