પાટણ તા. 11 જીલ્લા સેવા સદન ખાતે સોમવારે કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત પંચાયતી રાજ વર્કશોપ કાર્યક્ર્મ યોજાયો હતો. પંચાયતી રાજ મંત્રાલય અને કેન્દ્રીય ક્ષય વિભાગ વચ્ચે ટીબી મુક્ત ભારત તરફના પ્રયાસમાં ટીબી મુક્ત પંચાયતની પહેલને સમર્થન આપવા માટે તા. ૮ મી જુલાઇ ૨૦૨૨ ના રોજ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાન દ્વારા “વિશ્વ ટીબી દિવસ ૨૦૨૩” પર ટીબી મુક્ત પંચાયતની પહેલ શરૂ કરવામાં આવી હતી. ટીબી મુક્ત પંચાયત પહેલનો હેતુ પંચાયત સદસ્યોને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓની ગંભીરતા, લક્ષણો, રોગ અટકાયતી પગલાંઓ અને સરકારશ્રી દ્વારા પુરીપડાતી સેવાઓ જાણવા તથા તેના ઉકેલ માટે જરૂરી પગલાં લેવા અંગેની જાણકારી આપવા નો હેતુ છે. પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવા માટે તેમને સક્ષમ કરવાનો છે. આ પ્રસંગે કલેકટર અરવિંદ વિજયન દ્વારા જિલ્લામાં ક્ષયની સ્થિતિ અંગે વિહં ગાવલોકન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય બાબતની કામગીરીમાં અવ્વલ આવે તે માટે સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. જિલ્લામાં ક્ષય નિર્મૂલન માટેની સરકારની માર્ગદર્શન ગાઈડ લાઈન મુજબ કામગીરી કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.
વિશ્વમાં ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે. ભારત દેશમાં વર્ષે અંદાજિત ૨૬ લાખ નવા ટીબીના દર્દીઓ નોંધાય છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે ૧૫૦૦૦૦ ટીબીના દર્દીઓ નોંધાય છે. આમ ક્ષયરોગ એ માઇક્રોબેક્ટરિયમ પ્રકારના બેક્ટેરિયાને કારણે થતો અતિ ચેપી રોગ છે. આના સૂક્ષ્મ જીવાણુ ફેફસાંને અસર કરે છે. જેના કારણે ફેફસાંનો ક્ષયરોગ થાય છે. ટીબીનો દર્દી જયારે ઉધરસ કે છીંક ખાય છે ત્યારે ક્ષયના જંતુઓ હવા દ્વારા રોગનો ફેલાવો કરે છે. તેનાથી ફેફસા ઉપરાંત શરીરના અન્ય ભાગો જેવા કે ગ્રંથિઓ, કરોડરજ્જુ, કીડની, આંતરડા, હાડકા અને સાંધા પર અસર કરે છે. ટીબીના કારણે પુખ્તવયની વ્યક્તિમાં મુત્યુ વધારે થાય છે. આર્થિક અને સામાજીક વિકાસને અસર થાય છે. ભારતમાં આશરે ૩ લાખ બાળકો પોતાના માતા પિતાની બીમારી ને કારણે ભણતર છોડી દેવું પડે છે. આથી સારા ઉદ્દેશ્યો સાથે ટીબી મુક્ત પંચાયત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમના દ્વારા ક્ષય નિર્મૂલન કરી શકશું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરવિંદ વિજયન,જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જીલ્લા ક્ષય અધિકારી ડી.એન.પરમાર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિવ્યેશ પટેલ ઉપરાંત આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી