રૂ. 8 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ ગામોને ગુજરાતના પ્રગતિપથ સાથે જોડશે: કેબિનેટ મંત્રી..
પાટણ તા. ૪
નાના નાયતા થી વાઘી થઇને ચારુપ કિમ્બૂવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત રવિવારે કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂતનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે,રસ્તાની સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે. આજે સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે છે.સરકાર આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે. આજે આ રોડનાં ખાતમુહૂર્તથી 15 ગામોને ફાયદો થશે. હવે કોઇએ ચિંતા કરવાની જરુર નથી હુ ખાતરી આપુ છુ કે, આપનાં કોઈ પણ કામો હશે તે આપણે સૌ સાથે મળીને પુરા કરીશું.
આજે કેન્દ્રની 17 યોજનાઓ અને રાજ્યની 28 યોજનાઓ ઘર આંગણે પહોંચી છે. કોઈ પણ લાભાર્થી યોજનાઓનાં લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે. હવે લોકોને કુવા પર પાણી ભરવા માટે જવું નથી પડતું. નળ સે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે પાણી મળતું થયુ છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા રુ.10 લાખની મફત સારવાર લોકોને મળી રહી છે. આવો સૌ સંકલ્પ કરીએ કે નાયતા ગામનો કોઈ વ્યક્તિ યોજનાનાં લાભથી વંચિત ન રહે. કાર્યક્રમ માં મંત્રી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, ગામનાં આગેવાનો, તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ યશપાલ સ્વામી