મતદાન કરનાર મતદાતાઓને વિવિધ દુકાનો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ વગેરે જગ્યાએ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે….
પાટણ તા. ૨૫
પાટણ જિલ્લામાં મહત્તમ મતદાનના પ્રયાસો રૂપે આયોજીત 15 દિવસીય કાર્યક્રમોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમોમાં પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં ગ્રામ્ય કક્ષાએ 491 જુદી જુદી જગ્યાએ પ્રચાર-પ્રસાર અર્થે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં આયોજીત આ કાર્યક્રમોમાં મહિલા મતદારો, વયો વૃદ્ધ મતદારો તથા સ્થાનિક આગેવાનો એમ કુલ મળીને 21,485 પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરી કક્ષાએ જુદી જુદી 196 સોસાયટીઓના કુલ મળીને 14,730 મતદારો કે જેમાં સોસાયટીના પ્રમુખ, કારોબારી સભ્યો અને બિલ્ડર સાથે મીટીંગ કરી સોસાયટીના અને ગ્રામ્ય કક્ષાના રહીશોને આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી સંકલ્પ લેવડાવાવમાં આવ્યા હતા.
જિલ્લાની દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, મેડિકલ સ્ટોર્સ, થિયેટર્સ વગેરેમાં મત આપીને આવ્યા બાદ આંગળી પર મત આપ્યાનું નિશાન બતાવવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લાના જુદા જુદા 12 એકમો જેવા કે એપીએમસી બજાર સમિતિ, રાધનપુર, સિધ્ધપુર, પાટણ અને હારીજ સાથે મીટીંગ કરી 29 પેઢીઓએ હરાજી સમયે ખેડૂતોને હરાજીનો ભાવ પડે તેના કરતાં એક રૂપિયો ઊંચો ભાવ આપશે તેવી તૈયારી બતાવી હતી. તથા વિવિધ ઔદ્યોગિક એકમોએ મતદાનના દિવસે તેઓ રજા પણ રાખશે અને પોતાના તમામ કર્મચારીઓ તે દિવસે અવશ્ય મતદાન પણ કરશે તે માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી