વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ પદે દાતાઓને સન્માનિત કરાયા…
અંદાજે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ નિર્માણ માટે નો સંકલ્પ કરાયો…
પાટણ તા. ૯
ગાંધીનગરના જમિયતપુરા ખાતે નવ વીઘા જમીનમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ માટે ચૌધરી સમાજના દાતાઓ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. ૧૫૧ કરોડનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપેવિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષસ્થાને જમિયત પુરા-ગાંધી નગર ખાતે શૈક્ષણિક સહિત સમાજ ના સર્વાંગી વિકાસ માટે દાન જાહેર કરનાર મુખ્ય ૧૦ દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ દાતાઓને ચૌધરી સમાજની ઓળખ એવી ‘પાઘડી’ પહેરાવી તમામનું સન્માન કરીને સમાજના વિકાસ માટે આપેલા દાન બદલ દાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજના ભાઈ – બહેનો ને યથાશક્તિ દાન કરવા અનુરોધ કર્યો હતો. વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરાવણી વહેવડાવનારમાં મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ. ૫૧ કરોડ,શંકરભાઈ ચૌધરી (શંકુજ વોટરપાર્ક) રૂ.૩૫ કરોડ,શેઠ હરીભાઇ વેલજીભાઈ ચૌધરી ચરાડા રૂ. ૨૫ કરોડ, કનુભાઇ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ.૧૧ કરોડ, બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવા ડિયા) રૂ.૧૧ કરોડ,રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈ ગામ) રૂ.૧૧ કરોડ, નાથાભાઈ દલસંગ ભાઈ ચૌધરી, (દગાવાડિયા) રૂ.૨ કરોડ, ડાહ્યાભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા) રૂ.૨ કરોડ, બળદેવ ભાઈ લવજી ભાઈ ચૌધરી(દગાવાડિયા) રૂ.૨ કરોડ,આર.ડી.ચૌધરી (ઝાલોર,રાજસ્થાન)રૂ. ૧ કરોડ આમ કુલ રૂ. ૧૫૧ કરોડનું દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આમાં દગાવાડિયા ગામમાં વસતા દાતાઓ દ્વારા જ કુલ રૂ. ૭૯ કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે જે ચૌધરી સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખમણીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, દાતાઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે. જેમાં આજે પ્રથમ તબક્કામાં રૂ.૧૫૧ કરોડનું માતબર દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, શેરથા ટોલ નાકા, જમિયતપુરા, ગાંધીનગર ખાતે ‘વિશ્વ આંજણા ફાઉન્ડેશન’ના ઉપક્રમે નિર્માણ પામનારા સૂચિત બહુહેતુકઆંજણા ધામમાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ,કુમાર -કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ -યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ‘આંજણા ધામ’ના નિર્માણ માટે યથાશક્તિ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા દર્શાવી હતી.
સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’નું નિર્માણ કરવાના માટેના કાર્યક્રમમાં આજે ગુજરાતના વિવિધજિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી