પાટણ તા. 10
પાટણ નગરપાલિકાનું હાલનું નવું બિલ્ડીંગ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ નાં કાર્યકાળમાં બન્યા બાદ હવે નગર પાલિકા નાં નવા હયાત બિલ્ડીંગની બરાબર સામે બે મંજિલા ધરાવતા બિસ્માર અને જર્જરીત બનેલ બિલ્ડીંગને રૂ.2 કરોડનાં અંદાજિત ખર્ચે નવ્ય ભવ્ય બનાવવાનું પાલિકા દ્વારા આયોજન વિચારાયુ હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલમાં ભુગર્ભ ગટર શાખા અને જન્મમરણ શાખાની કચેરીઓ બંને જુના અને જર્જરિત મકાનોમાં કાર્યરત છે, તેમજ વેરા શાખા જુના બિલ્ડીંગનું વર્ષો પૂર્વે બનેલા ઍકસ્ટેશન બિલ્ડીંગમાં કાર્યરત છે.
વેરા શાખામાં આવતાં નગરજનો તથા મુલાકાતીઓ,અરજદારોને બેસવા માટેની સુવિધા અને વેઈટિંગ રૂમની સગવડો ન હોવાથી આ જુના બિલ્ડીંગમાં વેરા શાખાની સુવિધા જનક કચેરીનું આયોજન વિચારાઈ રહ્યું છે.
વેરા શાખામાં વેરાભરવા કે બીજા કોઈ કામકાજ માટે આવતાં અરજદારોને રિસેષનાં સમયે રાહ જોવી પડે છે તો કેટલાક અરજદારો બાળકો સાથે આવે છે. તેઓને હાલનાં બિલ્ડીંગમાં અસુવિધાઓ રહે છે જે તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રૂ. 2 કરોડનાં ખર્ચે ઉપરોક્ત જજૅરિત બનેલ બિલ્ડીંગ ને નવ્ય ભવ્ય બિલ્ડીંગ બનાવવાનું આયોજન પાલિકાની મળેલી સંકલન બેઠકમાં વિચારાયુ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી