સરદાર સરોવરની જળ સપાટી વધતા ગમે ત્યારે નદીઓમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ..
પાટણ તા. ૧૦
સરદાર સરોવર ની જળ સપાટી વધતાં પાટણના નદી કાંઠાનાં ગામડાઓને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરની જળ સપાટી વધતાં બનાસ, ખારી નદી કાંઠાના ગામડાઓને ચેતવણી આપી દેવાઈ છે. કેનાલો અને નદીઓમાં કયારે પણ પાણી છોડવામાં આવી શકે તેમ છે. તો આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, બનાસ કાંઠા જીલ્લાની બનાસ અને ખારી બંને નદી કાંઠે રહેતા લોકોને અલર્ટ રહેવા જણાવાયું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવરની જળ સપાટી વધતા લેવલ જાળવવા નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.
પાટણ જિલ્લામાં હારીજ તાલુકામાંથી ખારી અને બનાસ નદી પસાર થાય છે. ત્યારે નદી કાંઠા વિસ્તારના ગ્રામજનો સાવચેત રહે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘો ખાબક્યો હતો. ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદે વિરામ લીધા બાદ ફરીથી વરસાદ પડતાં સરદાર સરોવર ડેમ ભરાઈ જવાની આશંકા છે. પરિણામે લોકોને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.