google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સિવિલ હોસ્પિટલમાં મંજુર થયેલ કાયમી તબીબી સ્ટાફ ઉપલબ્ધ બનાવવા લોક માંગ ઉઠી..

Date:

સિવિલ હોસ્પિટલમાં ફુલ ટાઈમ જનરલ સજૅન અને ઓર્થોપેડિક ની તાતી જરૂરિયાત..

પાટણ તા.૪
જિલ્લા મથક પાટણ ખાતેની સિવિલ (જનરલ) હોસ્પિટલને આરોગ્ય વિષયક સેવાઓ, ઓપરેશન અને દર્દીઓથી પુનઃ ધમધમતી કરવા અહીં ફૂલટાઈમ જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન સહિતના નિષ્ણાંત ડોક્ટરો મુકવા માટે સરકાર દ્વારા ગંભીરતાથી વિચારીને ત્વરિત પગલા ભરવામાં આવે તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર જ્યારે આરોગ્ય બાબતે ચિંતિત હોવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે પાટણ સિવિલમાં છેલ્લા કેટલાય વર્ષોથી મંજૂર થયેલ ડોક્ટરોની ફૂલટાઈમ જગ્યાઓ ભરવામાં સરકારી તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે તેની સમાજમાં ટીકા થતી જોવા મળી રહી છે.

પાટણ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પાટણ શહેર ઉપરાંત સમગ્ર પંથકમાંથી ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ દર્દીઓ વિવિધ પ્રકારના નિદાન અને આરોગ્ય વિષયક સેવાઓ માટે મોટી સંખ્યામાં આવે છે. અહીં સરકાર દ્વારા 10 જેટલા વિવિધ રોગોના સર્જન ડોક્ટરોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેટલાક રોગોના સર્જન ડોકટરો છે, પરંતુ જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન જેવા મહત્વના ફુલટાઈમ સર્જન ડોકટરોનો અભાવ છે. જેથી અહીં ઘૂંટણના તેમજ હાડકાંના રોગોના ઓપરેશન થઈ શકતા નથી અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલોનો આશરો લેવાની ફરજ પડી રહી છે કે ધારપુર જવું પડે છે.

જો સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા પાટણની સિવિલ હોસ્પિટલમાં ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન મૂકવામાં આવે તો અહીં લાખો રૂપિયાના ખર્ચે નવું ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવેલ છે ત્યાં માઇનોર ઓપરેશન શરૂ થઈ શકે અને નિ- રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણના સાંધાના ઓપરેશનોની સેવા લોકોને ઘરઆંગણે અને સરકારના આરોગ્ય કાર્ડમાંથી સુવિધા મળી શકે તેમ છે.

કમનસીબી એ છે કે પાટણ સિવિલમાં હાલમાં જે ઓર્થોપેડિક સર્જન સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત બે બે કલાક માટે સેવા આપે છે તેઓની સેવા માત્ર દર્દીઓને જોવા પૂરતી અને એક્સરે કઢાવવા પૂરતી જ રહી જવા પામી છે. એક્સરે જોયા બાદ દર્દીઓને વધુ સારવાર માટે ધારપુર મોકલવામાં આવે છે.

જો પાટણ સિવિલમાં જ નવું ઓપરેશન થિયેટર તૈયાર હોય છતાં ઓર્થોપેડિક સર્જનના અભાવે ની-રિપ્લેસમેન્ટ વાળા દર્દીઓને પાછા જવું પડતું હોય ત્યારે તે ગંભીર બાબત હોઈ સરકારની આરોગ્ય નીતિ અંતર્ગત પાટણ જનરલ હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે ફુલટાઇમ સર્જન ડોક્ટરોના મંજૂર મહેકમમાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા સત્વરે ભરવાની આવશ્યકતા છે. જેથી અકસ્માત કે પડવા વાગવાના કેસોમાં પાટણ સિવિલ ખાતે જ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકે. વળી, નિ-રિપ્લેસમેન્ટના ઓપરેશનની સુવિધા શરૂ થાય એટલે દર્દીઓને ઘર આંગણે સરકારી કાર્ડમાં ઓપરેશનની સુવિધા મળતાં તેના લાખો રૂપિયા બચી શકે અને જનરલ હોસ્પિટલ તંત્રને પણ રૂપિયા ૮૦ હજાર જેટલો આર્થિક ફાયદો થઈ શકે અને આ રકમ હોસ્પિટલના વિકાસ કામો માટે વાપરી શકાય.

સરકારે ઓર્થોપેડિક સર્જન માટે બોન્ડેડ ડોક્ટરની પણ સત્વરે નિમણુંક કરવી જોઈએ. જો સિવિલમાં ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જન ની જગ્યા ભરવામાં આવે તો અનેક ગરીબ દર્દીઓને તેનો લાભ મળી શકે તેમ છે. આ માટે સરકારે ફ્રેશ સર્જન ડોક્ટરો કે બોન્ડેડ ડોક્ટરની પણ ભરતી કરીને પાટણ સિવિલમાં હાડકાના ઓપરેશનોની સુવિધા શરૂ થાય તે દિશામાં ગંભીરતાથી વિચારીને તાત્કાલિક પગલાં ભરવાની આવશ્યકતા છે.

પાટણ જિલ્લાને આ વર્ષે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીની ભેટ મળી છે. સિદ્ધપુર બેઠક પરથી ચૂંટાયેલા બલવંતસિંહ રાજપૂતને રાજ્યના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બનાવ્યા છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરો અભાવના પ્રશ્ન અંગે મંત્રી બળવંતસિંહ અંગત રસ લઈને મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નું ધ્યાન દોરીને તાત્કાલિક પાટણ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જનની જગ્યા ભરાવવા યોગ્ય કરે તેવી વ્યાપક લોકમાંગ પ્રવર્તિ રહી છે.

આ ઉપરાંત પાટણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા અને ચૂંટણીમાં હાર બાદ પણ પાટણના વિકાસના પ્રશ્નો માટે સતત સક્રિય રસ લઈ રહેલા ડો. રાજુલબેન દેસાઈએ પણ પાટણ જનરલ હોસ્પિટલમાં ખાલી પડેલી સર્જન ડોક્ટરોની જગ્યા ભરાય તે માટે આરોગ્ય મંત્રી તેમજ ચીફ પર્શોનલ ઓફિસરને અંગત રજૂઆત કરીને દર્દીઓને ઓપરેશનની સુવિધા મળી શકે તે માટે ઓર્થો.સર્જન બાબતે યોગ્ય પગલા ભરાય તે દિશામાં રજૂઆત કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 નું લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે..

પાટણ તા. 22 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...