સરકારી યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી.
આવો સૌ સાથે મળીને સુરક્ષિત, વિકસિત, અને સમૃદ્ધ દેશનું નિર્માણ કરીએ : ડૉ.ભાગવત કરાડ
પાટણ તા. 21
પહેલાં ચૂલામાં રસોઈ બનાવતા આંખો બળતી હતી આજે ઉજજ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર મળતાં હું આરામથી રસોઈ બનાવી રહી છું…પહેલા કાચું મકાન હતુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે મારા ઘરનાં ઘરનું સપનું સાકાર થયુ છે વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર આ શબ્દો છે સરકારી યોજનાઓથી લાભ મેળવેલ લાભાર્થીઓનાં..શનિવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર સરકારમાં રાજ્ય
કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડનાં અધ્યક્ષ સ્થાને આયોજીત સંવાદ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મંત્રી સાથે સીધો સંવાદ કર્યો.
કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજથી પાટણનાં બે દિવસીય પ્રવાસે છે. પાટણની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. આજરોજ કન્વેન્શન હોલમાં આયોજીત સંવાદ કાર્યક્રમમાં આયુષ્યમાન યોજના, ઉજ્જવલા યોજના, PM સ્વ નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વન નેશન વન રેશન, પ્રધાનમંત્રી વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના વગેરેનાં લાભાર્થીઓએ યોજના અંતર્ગત તેઓને મળેલ લાભોનાં અનુભવો રજુ કર્યા હતાં અને મંત્રીએ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો.
આજરોજ આયોજીત કાર્યક્રમનાં અધ્યક્ષ નાણામંત્રી ડૉ.ભાગવત કરાડે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, આજે ઐતિહાસિક નગરી પાટણમાં આવીને સામાન્ય નાગરીકની પ્રતિક્રિયાઓ સાંભળીને ખુશી થઈ છે. વડાપ્રધાનનાં નેતૃત્વમાં જે યોજનાઓનો ગુજરાતમાં બહોળા પ્રમાણમાં અમલ થઈ રહ્યો છે તે ખરેખર સરાહનીય છે. આજે પ્રધાનમંત્રી માત્ર એક બટન દબાવે અને તરત જ લાભાર્થીઓ ખાતામાં તુરંત જ પૈસા જમા થઈ જાય છે, આ માત્ર ભારત દેશમાં જ થઈ રહ્યુ છે. આવો સૌ સાથે મળીને પ્રધાનમંત્રી નાં નેતૃત્વમાં સુરક્ષિત, વિકસિત, અને સમૃદ્ધ દેશનું નિર્માણ કરીએ.આજના કાર્યક્રમનાં અધ્યક્ષ નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા,સાંસદ ભરતસિંહ ડાભી, નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલબેન દેસાઈ, જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપ સિંહ રાઠોડ, સંગઠનના પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.