સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
પાટણ તા.1
પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ત્રિ-માસિક તાલુકા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત 18 વર્ષ કે તેથી નાની વયના બાળકોના અધિકારોનું રક્ષણ થાય તેમજ બાળકોને લગતા કેટલાક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના 18 વર્ષ કે તેથી નાની વયના બાળકોના અધિકારોનું શારીરિક અને માનસિક શોષણ ,અત્યાચાર, નિરાધાર ,કુટુંબ વિહોણા કે તરછોડી મુકાયેલા તથા ખાસ પરિસ્થિતિમાં જીવતા બાળકોના અધિકારોનું રક્ષણ અને જતન થાય તે માટે કાર્યરત છે. આ યોજનાની માર્ગદર્શિકા તેમજ જુવેનાઇલ જસ્ટિસ એકટ -2015 ના ધારા ધોરણ મુજબ ગુજરાત જુવેનાઈલ જસ્ટિસના નિયમ 2019 તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના ઠરાવ મુજબ દરેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેવી કે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ, તાલુકા કક્ષાએ તાલુકા બાળ સુરક્ષા સમિતિ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાની બાળ સુરક્ષા સમિતિની જોગવાઈ કરવામાં આવી છે.
જે મુજબ પાટણ જિલ્લામાં તમામ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. દરેક બાળ સુરક્ષા સમિતિ ખાતે માસિક અને ત્રિમાસિક બેઠક મળતી હોય છે અને બેઠકમાં બાળકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે.
આ યોજના થકી બાળકોનું જાતીય શોષણ, બાળ-લગ્ન વગેરે જેવા દુષણોને નાબૂદ કરવામાં આવી રહ્યા છે તેમજ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને યોજનાકીય લાભ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
સરસ્વતી તાલુકામાં મળેલી ત્રિ-માસિક તાલુકા બાળ સુરક્ષા સમિતિની બેઠકમાં સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિધિ, સુરક્ષા અધિકારી, ICDS ના ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, બ્લોક હેલ્થ ઓફિસર તથા તાલુકા કેળવણી નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.