સરકાર દ્વારા દિલ્હી ખાતે આયોજિત વિશ્વ પુસ્તક મેળો અને પીએમ યુવા મેન્ટરશિપ કાર્યક્રમ મા ગૌરવ પ્રાપ્ત થયું.
પાટણ તા.1
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.પાટણના Ph.D. શોધ છાત્ર અને દેશના 75 યુવા લેખકોમાં પસંદગી પામેલ થરાદના યુવા લેખકના પુસ્તકનું દિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.
નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું અને પીએમ યુવા મેન્ટરશિપ યોજનામાં પસંદ થયેલા ભારતની તમામ ભાષાઓના 75 યુવા લેખકોનું સંમેલન ચાલી રહ્યું છે. ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા બે યુવા લેખકો માં બનાસકાંઠાના થરાદના યુવા લેખક અને હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણમાં ઈતિહાસ વિષય સાથે ડૉ.સંગીતા બકોત્રાના માર્ગદર્શન હેઠળ Ph.D. કરતા પ્રકાશ સુથારની પસંદગી કરવામાં આવી છે.
ગત વર્ષે પ્રકાશ સુથારની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન યુવા શ્રેણીમાં દેશના 75 યુવા લેખકોમાં પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે પીએમ યુવા શ્રેણીનાં 75 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિદેશ મંત્રી રાજકુમાર, નોબેલ પ્રાઇઝ -2022 વિજેતા ફ્રાંસનાં લેખિકા એની એનોક્સ અને ફ્રાંસના રાજદૂત એમેન્યુઅલ લેનૈન, યુવરાજ મલિક સહિત ભારત સરકાર અને ફ્રાંસ સરકારના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને જેઓના વરદ હસ્તે પ્રકાશ સુથારના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ કોર્નર પર સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશ સુથારે સમાજ સુધારક અને કેળવણીકાર જગતાભાઈ પટેલના જીવનચરિત્ર ઉપર વાત કરી હતી. પ્રકાશ સુથારે દિલ્હીમાં થરાદના વિરલ વ્યક્તિત્વને ઉજાગર કરતાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી સહિત તેના ગામનું ગૌરવ વધારતા સૌએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી.