મિલેટના ધાન્યનો સ્વાદ માણવા તેમજ સ્વ સહાય જૂથની મહિલાઓ પગભર થાય તે માટે હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લેવા કલેકટર નો અનુરોધ..
પાટણ તા. 4
આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત પાટણમાં નાબાર્ડ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું પાટણની પાલિકા બજારની બાજુમાં આવેલા સંતોકબા હોલ ખાતે કરવામાં આવ્યું છે. આજથી બે દિવસીય આયોજીત સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલા ઉત્સવમાં ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી, કચ્છીકલા, બાંધણી, પેચવર્ક, ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓ જોવા મળશે.
શનિવારે હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું ઉદ્દઘાટન જિલ્લા કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટીએ કર્યું હતુ, ત્યારબાદ દીપપ્રાગટય કરી હસ્તકલા પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી એ,સંતોક બા હોલમાં બનાવેલ જુદા જુદાં સ્ટોલ જેવાં કે કચ્છી અજરખ, કચ્છી બાંધણી , કચ્છી મડવર્ક જેવાં સ્ટોલની મુલાકાત લીધી હતી અને કારીગરો સાથે તેઓએ કરેલા બારીક વણાટ વિશે માહિતી મેળવી હતી.
આ હસ્તકલા પ્રદર્શનમાં સ્વસહાય જૂથની સખી મંડળીઓના કુલ 10 જેટલા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા હાથેથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટોલમાં હસ્તકલાની, બાંધણીની, વિવિધ પ્રકારના પાકીટ, મીનાકારીની આઇટમો, કોસ્મેટિક આઈટમ રાખવામાં આવી છે. હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે તેને સંલગ્ન સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે.
હાલમાં ભારત સરકાર મિલેટ વર્ષ 2023ની ઉજવણી કરી રહી છે. તેથી મિલેટ ધાન્ય માંથી બનતી વાનગીઓના સ્ટોલ પણ હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટમાં જોવા મળ્યા હતા. હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જુદા જુદા કારીગરો દ્વારા સ્વસહાય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા કચ્છ, સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાત માંથી કારીગરો આવ્યા છે. ત્યારે પાટણ વાસીઓ આ પ્રદશનનો લાભ લે અને આંતર રાષ્ટ્રીય મિલેટ વર્ષને ધ્યાનમાં રાખી અહી આવી મિલેટની બનેલ વાનગીઓ ના સ્વાદનો આનંદ ઉઠાવે. જિલ્લા કલેકટરે સ્વ સહાય જુથની મહિલાઓ પગભર થાય તે માટે સંતોકબા હોલની અવશ્ય મુલાકાત લેવા માટે પાટણની જનતાને આહવાન પણ કર્યું હતુ.
હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા, જિલ્લા કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારી રાકેશ વર્મા, LDM કુલદીપ ગહેલોત,ડૉ.રૂદ્રેશ ઝૂલા ઉપરાંત પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.