પાણીના પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો કલેકટર કચેરી ખાતે ધરણા યોજવાની રહિશોની ચિમકી..
પાટણ તા. 15 પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા ના સતાધીશો શહેરીજનો ની રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપ વચ્ચે પાટણ નગર પાલીકા વિસ્તારમાં આવતી સિધ્ધેશ્વરી સોસાયટીના રહીશો કે જેઓ છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની સમસ્યા ને લીધે પરેશાન બન્યા હોય શનિવારે પાલિકા ખાતે આવી પાણી મામલે પાલિકા ને ગજવી હતી. આ બાબતે રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી સિધ્ધેશ્વરી સોસાયટીમાં પીવાનું પાણી આવતું ન હોવાથી પીવાના પાણીની ભારે તંગી ઉભી થવા પામી છે. આ બાબતે અગાઉ પણ મીડીયાનાં માધ્યમથી તેમજ આ વિસ્તારના કોર્પોરેટરો મારફતે પાલિકા ના સતાધીશો ને અવગત કરવામાં આવ્યા હોય છતાં આજદિન સુધી આ સોસાયટીના પાણીનો પ્રશ્ન હલ થયેલ નથી જેમ ખેડૂતો વરસાદની રાહ જોતા હોય તેમ સવાર થીજ મહીલાઓ ક્યારે પાણી આવશે તેની રાહ જોતી હોય છે તેમ છતાં પણ નળ માંથી પાણીનું ટીપુ પણ આવતું ન હોય ના છુટકે રહીશોને પ્રાઈવેટ પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે.રહિશો દ્રારા નિયમિત પણે પાટણ નગરપાલીનો પાણી વેરો ભરવા છતાં રહીશો ને પાણી નિયમિત મળતુ નથી.
તો આ સોસાયટી સહિત ભાવીન, બાલાજી, પાર્થ સોસાયટીઓમાં પણ પાણી સપ્લાય કરતા કમૅચારી દ્રારા મુખ્ય લાઈનનો કોક (વાલ્વ) પુરો ખોલતા ન હોવાથી પાણી ઓછું આવે છે તો શનિવાર કે રવિવાર ના દિવસોમા તો પાણી અનિયમીત કે આપવામાં જ આવતું ન હોવાનો બળાપો વ્યકત કરી પાણી છોડવાવાળા લાઈનમેન ની બદલી કરવાની માગ સાથે નવા લાઈન મેનને મુકવા માંગણી કરી હતી.
તો બાલાજી સોસાયટી આગળ પાણીની પાઈપ લાઈન તૂટેલી હોવાની વિસ્તારના કોર્પોરેટરોને રજુઆત કરેલ હોવા છતાં નગરપાલીકા ને પાઈપ લાઈન રીપેર કરવામાં રસ નથી.ત્યારે આગામી સમયમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો સોસાયટીના રહીશોને કલેકટર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી પાલીકા તંત્ર તેમજ વહીવટીતંત્રની રહેશે તેવી ચિમકી સિધ્ધેશ્વરી સોસાયટીના રહીશોએ આપી હતી.