fbpx

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પાટણના લક્ષનું કલેફ્ટ પેલેટનું નિ:શુલ્ક સફળ ઓપરેશન કરાયુ..

Date:

હર્ષભરી લાગણીથી ભીની આંખે પરિવારે સરકાર નો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 3
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે આજે સૌ કોઈ જાણે છે. સરકારના આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એવા બાળકોને આજે નવજીવન મળી રહ્યું છે જેઓ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે અને જેઓના મા-બાપ પણ બાળકની પીડામાં પરેશાન થઈ રહ્યા છે. કારણકે જ્યારે સંતાન તકલીફમાં હોય ત્યારે ન માત્ર એ સંતાન જ પીડા ભોગવતું હોય છે પરંતુ સાથે-સાથે માતા-પિતા પણ અધિક પીડા વચ્ચેથી પસાર થતા હોય છે.

આવા પરીવારોની વ્હારે આવ્યો છે, સરકારનો વિશેષ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. જેને આપણે સૌ RBSK તરીકે પણ ઓળખીએ છીએ. આ કાર્યક્રમ થકી અનેક જરૂરીયાતમંદ પરીવારોના ઘર ઝળહળી રહ્યા છે. વાત કરીએ એક એવા બાળકની જેને આ કાર્યક્રમ થકી આજે નવજીવન મળ્યું છે.

વાત છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના એવા પરીવારની જેમના ઘરમાં દિકરો આવતા આનંદ તો છવાઈ ગયો પરંતુ આ આનંદ જાણે અમુક સમય માટેનો જ હતો.!

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામનો એક પરીવાર. આ પરીવારમાં તા. 20/03/2018 ના રોજ એક દિકરાનો જન્મ થયો. નામ પાડ્યું લક્ષ. જન્મતાવેંત જ એકબાજુ દિકરો જન્મવાની ખુશી હતી તો બીજી બાજુ મા-બાપને દિકરા લક્ષની શારીરીક સ્થિતીની અંગે જાણ થઈ. લક્ષના તાળવામાં કાણું હોવાનુ સામે આવ્યું. મેડીકલ ભાષામાં લક્ષને કલેફ્ટ પેલેટ હોવાનું જાણવા મળ્યું.

આ જાણીને માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. આ બાબતની આર.બી.એસ.કે. ડેડીકેટેડ મોબાઈલ ટીમ પાટણને જાણ થતા ડૉ. શૈલેષ આચાર્ય તથા ડૉ. જાનકી પ્રજાપતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ત્યારબાદ માતા વર્ષાબેન પોતાના પતિ સાથે હૈદરાબાદ રહેતા હોવાથી ત્યાં સારવાર કરાવવાના હેતુથી તેઓ ગયા. એ સમયે લક્ષના પિતાજી ગંભીર બીમારીમાં સપડાતા તેઓનું અવસાન થઈ ગયું. એકબાજુ દિકરાની શારીરીક પરિસ્થિતીથી પરેશાન માતા પર પતિ ગુમાવવાનું દુઃખ આવી પડ્યું. પરંતુ વર્ષાબેન હિમંત ન હાર્યા અને બાળક સાથે પોતાના વતન ઉંદરા ગામે પાછા ફર્યા. આ વાતની જાણ થતા જ આર.બી.એસ.કે. ટીમ દ્વારા તેઓને સતત સાંત્વના આપવામાં આવી અને બાળકની જન્મજાત ખામીમાંથી મુક્ત કરવા વધુ સારવાર કરવવા માટે સલાહ આપવામાં આવી હતી.

હવે લક્ષની માતા માટે સમય ખૂબ કપરો હતો. પરંતુ સરકાર પરનો તેઓનો અતુટ વિશ્વાસ જ આજે લક્ષને સાજો કરવામાં ફળદાયી નિવડ્યો છે. લક્ષની તપાસના અંતે પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઈશ્યુ કરાવી જયદીપ હોસ્પિટલ, અમદાવાદ ખાતે તેને રિફર કરવામાં આવ્યો.

ત્યાં બાળકનું વજન અને હિમોગ્લોબીન ઓછું જણાતા બાળકને દવા આપવામા આવી હતી અને તા.10/03/2023 ના રોજ પી.એમ.જે.એ.વાય. કાર્ડ અંતર્ગત જયદીપ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડો.જયુલ કામદાર દ્વારા કલેફ્ટ પેલેટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં લક્ષ એકદમ સ્વસ્થ અને હસતો રમતો છે.

રાજ્ય સરકાર પ્રત્યે માન સન્માન વ્યક્ત કરતા વર્ષાબેન જણાવે છે કે, સરકારની આ યોજના દ્વારા અમારા બાળકની નિ:શુલ્ક સફળ સારવાર થઈ એ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. લક્ષની આવી પરીસ્થિતી જોઈને શરૂઆતમાં હુ જાણે હિમંત હારી ગઈ હતી મારી સાથે એના પિતા પણ નહોતા, એટલે મારા માટે લક્ષને આ સ્થિતીમાંથી બહાર કાઢવો ખૂબ અઘરૂ થઈ ગયું હતુ.

પરંતુ મને જ્યારે સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગે જાણ થઈ ત્યારે મારા મનમાં એક આશાનું કિરણ જાગ્યું. આ કાર્યક્રમ થકી જ આજે હું મારા લક્ષને હસતો રમતો મારી નજર સમક્ષ જોઈ શકું છું. સરકારની સાથે-સાથે ડૉ. શૈલેષ આચાર્ય તથા ડૉ. જાનકી પ્રજાપતિ ઉપરાંત ગંગાબેન એસ. રબારી સુપરવાઈઝર ફિમેલ હેલ્થે અમોને માર્ગદર્શન આપ્યું, તે બદલ તેઓનો તેમજ મારા ભાઈ હર્ષદ પંચાલનો પણ હું અને મારો પરીવાર આભાર માનીએ છીએ. ખરેખર પી.એમ.જે.એ.વાય. કાર્ડ અમારા માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

નોરતા આશ્રમ ખાતે પૂનમની પવિત્ર રાત્રે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજાયો..

નોરતા આશ્રમ ખાતે પૂનમની પવિત્ર રાત્રે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજાયો.. ~ #369News