fbpx

સરસ્વતી નદી મા ગણેશ વિસર્જન સમયે ડુબેલા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો ની સાથે અંતિમયાત્રા નિકળતા ગમગીની છવાઈ..

Date:

પાટણ તા. ૧૨
પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત નીપજ્યા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તાર માં રહેતા પ્રજાપતિ સમાજ પરિવારની માતા, બે પુત્રો અને મામાનાં મોત થયાં હતાં. જેઓની ગુરૂવારે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.

વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ કોને સાંત્વના આપે તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. નીતિશભાઈ પ્રજાપતિ પરિવાર માં પોતે, તેમ નાં પત્ની અને બે પુત્રો રહેતાં હતાં. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિ ના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા.

પરંતુ માતા શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત નીતિશભાઇ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઇ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.

પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવાર થી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એક સાથે ચાર ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.

પાટણ પ્રજાપતિ પરિવારના ચાર વ્યક્તિઓના સરસ્વતી નદીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયા હોવાની ઘટના ના પગલે પ્રજાપતિ સમાજ સહિત સમગ્ર પાટણ શહેરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી . ત્યારે સ્વર્ગસ્થ ચારેય આત્માઓની એકી સાથે તેઓના વેરાઈ ચકલા વિસ્તાર માથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પાટણના પદ્મનાભ મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે ત્રણ જ ચિતાઓ હોય ચોથી ચિતા સમાજના લોકોએ ઈંટો મૂકીને તૈયાર કરી હતી. ત્યાર બાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ ક્રિયા પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, પાલીકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમર ભાઈ દેસાઈ, નગર પાલિકા ના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત રાજકીય,સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના પરિવારજનોને સાત્વના પાઠવી હતી.

બોકસ..
સરસ્વતી નદી માં ગણેશ વિસર્જન દરમિયાન સૌપ્રથમ ડૂબેલ નયન પ્રજાપતિ છેલ્લા સાત વર્ષથી પોતાના બેન- બનેવી સાથે જ રહેતો હોવાની સાથે પોતાના બનેવી ના ધંધામાં મદદરૂપ બનતો હોવાનું નયનના બનેવી નીતિશભાઈએ જણાવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યું હતું કે નયન સહિત અન્ય એક ભાઈ અને તેમને મારી પત્ની સહિત અન્ય ત્રણ બહેનો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

બોકસ..
સરસ્વતી નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા નયનના પત્નીનો શ્રીમંત આવતા રવિવારે રાખવામાં આવ્યો હોય જેને લઈને પરિવારજનોમાં આનંદ છવાયેલો હતો અને શ્રીમંતની તમામ જવાબદારી મહોલ્લામાં રહેતા ભાઈચંદભાઈ પ્રજાપતિ ને નયન અને તેમના બનેવીએ સોંપી હતી અને તેઓએ ₹10,000 પણ જમણવાર સહિતના ખર્ચ પેટે એડવાન્સમાં ભાઈચંદ ભાઈ પ્રજાપતિ ને આપ્યાં હતાં અને ભાઈચંદભાઈ દ્ધારા પણ રવિવારે શ્રીમંતને લઈને રસોઇ માટે ઓર્ડર પણ આપી દીધો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પરંતુ આ દુઃખદ પ્રસંગ બનતા નયન ભાઈના પત્નીના શ્રીમંતનો પ્રસંગ મોકુફ રાખવામાં આવ્યો હોવાનું ભાઈચંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

બોકસ..
મૃતક દક્ષ અને જીમિતના મોટા બાપા ની દીકરી અને ગણેશ વિસર્જનમાં તેઓની સાથે જ રહેલી કાજલે રડતા રડતા જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન ને લઈને બંને ભાઈઓમાં અનેરો ઉત્સાહ હતો ગણેશ વિસર્જન પૂર્વે તેઓએ આવતી સાલ આના કરતાં પણ મોટા ગણપતિ લાવવાની વાત કરી ગણપતિ ઉત્સવ મનાવવાનું જણાવી મને પણ નોકરી પરથી રજા લઈને ગણેશ ઉત્સવમાં હાજર રહેવા તેઓએ જણાવ્યું હતું. બંને ભાઈઓ ભણવામાં હોશિયાર હોય દક્ષ ધોરણ આઠમાં ભણતો હતો અને જીમિત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો જોકે જીમિતને પોતાના પપ્પાના વ્યવસાય સાથે જોડાવાની તમન્ના હોવાનું તે ઘણી વખત મને જણાવતો હતો મારા કાકી પણ મને પોતાની દીકરી તરીકે જ ગણતા હતા આજે અમારા પરિવારનો માળો વીખાયો છે ત્યારે તેને ગણેશ ઉત્સવ દરેકે ઉજવવો જોઈએ પરંતુ દરેકે માટીના ગણપતિ લાવીને તેનું વિસર્જન પોતાના ઘરે જ કરવું જોઈએ અને જો નદી કે તળાવમાં વિસર્જન કરવા જઈએ ત્યારે સચેત રહેવા લોકોને અપીલ કરી પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હોવાનો અફસોસ વ્યકત કર્યો હતો.

બોકસ..
મૃતક પ્રજાપતિ પરિવારના સંબંધી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોઈપણ ઉત્સવ ઉજવતી વખતે પરિવાર અને પરિવારના સભ્યોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને નદી નાળામાં કે તળાવમાં ધાર્મિક પ્રતિમાઓની વિસર્જન વિધિ વખતે કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર શાંતિથી પ્રતિમાઓને વિસર્જિત કરવી જોઈએ આજે અમે અમારા સંબંધી ના આખા પરિવારને ગુમાવ્યો છે ત્યારે અન્ય પરિવારને તેમના સભ્યો ગુમાવવાનો વારો ન આવે તે માટે કોઈપણ ઉત્સવને ઉજવતા તકેદારી રાખવા તેઓએ જણાવ્યું હતું.

બોકસ..
પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાના કારણે નીપજેલા મોતના પગલે સફાળા જાગેલા જિલ્લા પ્રશાસને સરસ્વતી નદી તટે 20 જેટલા પોલીસ કર્મચારીઓનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તો ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ સરસ્વતી નદીમાં એક બોટ કાર્યરત બનાવવામાં આવી છે અને આ બોટ તેમજ પોલીસ બંદોબસ્ત જ્યાં સુધી ગણેશ ઉત્સવ સંપન્ન ન થાય ત્યાં સુધી સરસ્વતી નદી તટે કાર્યરત રખાશે તેવું જિલ્લા ફાયર અધિકારી સ્નેહલ મોદીએ ટેલીફોનિક વાત દરમિયાન જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મ સભા ને દ્વારકા પીઠના જગદ ગુરુ શંકરાચાર્ય સંબોધશે…

પાટણમાં બે દિવસ માટે પધારનાર દ્વારકાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી...

પાટણના જલારામ મંદિર પરિસરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો..

હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત...

પાટણ જિલ્લા અધૅ લશ્કરી સંગઠન ની મિટીંગ વારાહી ખાતે યોજાઈ..

પાટણ જિલ્લા અધૅ લશ્કરી સંગઠન ની મિટીંગ વારાહી ખાતે યોજાઈ.. ~ #369News