પાટણ તા. ૧૯
પાટણ શહેરનાં માતરવાડી ખાતે આવેલા હરિહર મહાદેવ મંદિરમાં પૂજારી બંધુઓએ એક ભક્તને મંદિરમાં ભગવાનનાં જાપ કરતાં અટકાવીને તેને મંદિર માંથી નીકળી જવા કહી તેને લાફા માર્યા હોવાના આક્ષેપ સાથે પુજા- જાપ કરવા આવેલા ભક્તે પોલીસ મથકે નોંધાવેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું હોય જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની મળતી વિગતો મુજબ પાટણના ધીવટા વિસ્તારમાં રહેતા નરેશભાઈ સોની (ઉ.વ.39 ) છેલ્લા બે વર્ષથી પાટણનાં માતરવાડી ખાતે આવેલા હરિહર મહાદેવનાં મંદિરે સેવા-પુજા અને જાપ માટે જાય છે. તેઓ 10 દિવસ પૂર્વે સાંજે મંદિરે પુજા કરવા માટે ગયેલા ત્યારે મંદિરમાં પુજા કરતાં એક વ્યક્તિએ તેઓને અહિંયા આવવાનું નહિં તેમ કહીને તેમને એક લાફો મારતાં તેઓ કાંઈ બોલ્યા વિના જતા રહ્યા હતા.
બાદમાં તેઓ તા.17- 5-2024નાં રોજ મંદિરે દર્શન માટે ગયા હતા અને મોડી રાત સુધી મંદિરમાં જાપ કરતાં હતા ત્યારે રાત્રે 11 વાગે મંદિરનાં પુજારી અને તેમનાં ભાઈએ તેઓને અહીંથી નિકળી જવાં માટે કહ્યું હતું ને તેમને ઉભા કરી હડસેલો મારી લાકડીથી તેમને મારતાં ઈજાગ્રસ્ત નરેશ સોનીને 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે પાટણ ની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાથી તેમણે ઉપરોક્ત બન્ને ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી