બગવાડા થી જનતા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પણ ખાનગી વાહનો ના જમેલાને લઇ અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા…
પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ખાનગી વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તેવી લોકમાંગ. .
પાટણ તા. 18
પાટણ શહેરના હાઇવે વિસ્તારમાં અવારનવાર સજાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઓવરબ્રિજની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. પરંતુ આ ઓવરબ્રિજ બન્યા બાદ પણ બ્રિજની નીચે તેમજ બ્રિજ ની આજુબાજુમાં ખાનગી વાહન ચાલકો દ્વારા આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરાતા હોવાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા આજની તારીખે પણ જૈસે થૈ ની પરિસ્થિતિમાં જોવા મળી રહી છે.
તો શહેરના બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર તેમજ બળિયા હનુમાન મંદિર તરફ જવાના માર્ગ પર ખાનગી વાહનોના દિવસ દરમિયાન ખડકાયેલા જમેલા ના કારણે આ માર્ગ પરથી પણ લોકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. સિદ્ધપુર ચાર રસ્તા હાઇવે પર ફરજ બજાવતા ટીઆરબી ના જવાનો અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સિદ્ધપુર ચાર રસ્તા બ્રિજ નીચેના માર્ગ પર સરદાર કોમ્પલેક્ષ તરફ જવાના તેમજ સિદ્ધપુર હાઇવે તરફ જવાના માર્ગ પર આડેધડ પેસેન્જરો ભરવા માટે ઉભા રહેતા ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ હાઇવે પરથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકો તેમજ આ વિસ્તારના વેપારીઓ માં પ્રબળ બનવા પામી છે.
સિદ્ધપુર ચાર રસ્તા નજીક બ્રિજ બનાવ્યા બાદ પણ સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને આ સમસ્યાનો અવાર નવાર ભોગ બનતા આ વિસ્તારના રમેશભાઈ સુથાર નામના વેપારીએ પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યક્ત કરી આ બાબતે પોલીસ તંત્ર જાગૃત બની ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
તો બગવાડા દરવાજા નજીકના દિલીપભાઈ પટેલ નામના વેપારીએ પણ આ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો દ્વારા પોતાના વાહનો આડેધડ પાર્ક કરી અવારનવાર ઉભી કરાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પોલીસ તંત્ર દ્વારા ખાનગી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ તેઓએ કરી હતી.