પાટણ તા. 11
પાટણ ઉત્તર ગુજરાત વીજકંપની લીમીટેડ દ્વારા શહેરના ગંજીપીર વિસ્તારમાં આવેલ સીટી વન વિસ્તારના વર્ષો જુના પાવર હાઉસ બીલ્ડીંગનું તાજેતરમાં સ્થળાંતર કરી દેવામાં આવતા અહીંયા વીજબીલ ભરવા માટે આવતા તેમજ વીજ કનેકશન ને લગતી રજૂઆતો માટે આવતા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
શહેર ના વૉર્ડ નં.8 અને 9 ના વિસ્તારમાં આવતા યુજીવીસીએલના જુના પાવરહાઉસમાં વર્ષોથી વીજબીલ સ્વીકારવાની તેમજ વીજ કનેકશન ને લગતી કામગીરી કાર્યરત હતી. પરંતુ તાજેતરમાં જ જીઈબી સબસ્ટેશનના નવીન મકાનનું લોકાર્પણ થયા બાદ પાવર હાઉસ ખાતે વીજબીલ સ્વીકારવાનું બંધ કરી દેવામા આવ્યુ છે.જેને કારણે પાવર હાઉસની આસપાસ ગંજીપીર, બુકડી, જુનાગંજ બજાર, સોનીવાડો, કનસડા દરવાજા,જીમખાના વિસ્તાર ,રાણ કી વાવ, પીપળાગેટ ,સાલવી વાડો, બી ડી હાઈસ્કૂલ સહિતના સીટી વન વિસ્તારમાં આવતા તમામ મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારના લોકોને વીજબીલ ભરવા માટે જીઈબી સબસ્ટેશન તેમજ જુનાગંજ બજાર-ચતુર્ભુજ બાગની પાછળનાં મંડળી દ્વારા ચાલતા કલેકશન સેન્ટર કે પોસ્ટ ઓફિસ ખાતે જવાની ફરજ પડી રહી છે.
જુના પાવર હાઉસ ખાતે વીજબીલ સ્વીકારવાની કામગીરી બંધ થઈ જતાં,આ તમામ સેન્ટરો પર વીજ ગ્રાહકોનો બીલ ભરવા માટે ભારે ઘસારો હોવાના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે . ત્યારે વીજગ્રાહકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ પાવર હાઉસ ખાતેનું વીજ સ્વીકારવાનું કાઉન્ટર સત્વરે ચાલુ કરવામાં આવે તેવી લૉકમાંગ ઉઠવા પામી છે .
અહેવાલ યશપાલ સ્વામી