શહેરના જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવી ઘાસચારા નો જથ્થો પાલિકાએ જપ્ત કર્યો..
પાટણ તા. 1
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા અને જાહેરમાં ઘાસ નું વિતરણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા શહેરમાંથી પકડાયેલા રખડતા ઢોરોને રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળ ખાતે મોકલી આપી શહેરના નવા ગંજ બજાર, ટેલીફોન એક્સચેન્જ રોડ, કેનાલ રોડ, પદ્મેશ્વર મહાદેવ મંદિર પરિસર સહિત ના વિસ્તારમાં જાહેરમાં લીલા ઘાસનું વેચાણ બંધ કરાવી લીલો ઘાસ નો જથ્થો નગરપાલિકા ના સાધનોમાં ભરી ઢોર ડબ્બામાં આશ્રય લઈ રહેલા અબોલ પશુઓને પહોંચાડવામાં આવ્યો હતો.
સાથે સાથે જાહેર માર્ગો પર લીલા ઘાસનું વેચાણ કરતા લોકોને કડક સૂચના આપી જાહેરમાં ઘાસચારા નું વેચાણ બંધ કરવા અને શહેરીજનોને રખડતા ઢોરોની સમસ્યા માંથી મુક્તિ અપાવવા પાલિકા પ્રમુખ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી