પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે આસ્થા હોલમાં ડો.આઇ.કે. વીજળીવાળા લેખીત પુસ્તક “મનનો માળો”નું વિવેચન રવિન્દ્રભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ડો.આઇ.કે. વીજળીવાળાએ અત્યારના જમાનામાં સૌથી વધુ પ્રેરણાત્મક નાની નાની વાતો દ્વારા સમાજને માર્ગદર્શન પુરુ પાડી રહયા છે. લેખકે લખેલી નાની નાની વાતોમાં જેવી કે જીવનો રખેવાળ, ગુલદસ્તો, માટીનો કુંજો, આદર્શ સાથીની શોધ, બે ફરીસ્તા, ભગવાન માનવ સ્વરુપે જ કેમ અવતાર લે છે. દુઃખોનું પોટલું વગેરે ઉપર પ્રેરણાત્મક પ્રકાશ પાડી વકતા દ્વારા સમજાવવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત કરી પાણીની પરબનાં સાથ સહકાર આપવા બદલ પરીવારના સભ્યોને બીરદાવવામાં આવ્યા હતા. સંયોજક નગીનભાઈ ડોડીયાએ વકતાનો પરીચય આપ્યો હતો. આ પ્રસંગે સિધ્ધપુરના સાહિત્યકાર જ્યોતિન્દ્રભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ નાયક, સુરેશભાઇ દેશમુખ,સુનીલભાઇ પાગેદાર, જયેશભાઇ વૈદ્ય, રાજેશભાઇ પરીખ, મહેન્દ્રભાઇ પરમાર, દિનેશભાઇ પ્રજાપતિ, કાંતિભાઇ સુથાર, ડો.શરદ પટેલ, હસુભાઇ સોની, આત્મારામભાઈ નાયી વગેરે સુજ્ઞ શ્રોતાઓ ઉપસ્થિત રહયા હતા. આભારવિધી મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી