બેંક ઓફ બરોડા પાટણ ની બંને શાખાએ બેકના 116 માં સ્થાપના દિવસની ઉજવણી કરી..
પાટણ તા. 22 બરોડા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 20 મી જુલાઈ 1908 નાં રોજ બરોડા માં પ્રથમ બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. બેંક ઓફ બરોડાનો 116 મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે બેંક ઓફ બરોડાની પાટણના હીગળાચાચર ખાતે આવેલ મેઇન બ્રાન્ચ અને માર્કેટ યાર્ડ બ્રાન્ચના મેનેજર રાજેન્દ્રપ્રસાદ ચેટરજી અને સંતોષકુમાર ચૌધરી આ ઉત્સવ દિવ્યાંગ એવાં બધિર બાળકો સાથે ઉજવવાનું નક્કી કરી બેકના સ્થાપના દિને બહેરા મૂંગા શાળામાં બધિર બાળકો ને મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમની ભેટ આપી દિવ્યાંગો પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરી આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે શાળાની બધિર બાલિકાઓ દ્વારા મહાનુભાવો નું કુમકુમ તિલક કરી અને આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરી બેંક ઓફ બરોડા ના 116 વર્ષની લાંબી સફળ સફર માટે અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના બધિર બાળકો સાથે શિક્ષકો એ સાઈન લેન્ગવેજ દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. શાળાના વહીવટી અઘિકારી ઉષાબેન બુચ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો અને મંત્રી દેવેન્દ્રભાઈ સાલવીએ સ્થાપના દિવસની ઉજવણી શાળામાં બાળકો સાથે કરવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી બન્ને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.