ધર્મ પ્રેમી નગરજનોએ ગણેશજીની પ્રતિમાને કેનાલમાં પલાળી નગરપાલિકાના ટ્રેક્ટરમાં વિદાય આપી..
પાટણ તા. 23 પાટણ શહેરમાં વિવિધ તહેવારો નિમિત્તે ધર્મપ્રેમી નગરજનો દ્વારા પોતાના નિવાસ્થાને વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓનું સ્થાપન કરી ધાર્મિક ઉત્સવોની પૂર્ણાહુતિ પ્રસંગે ઘરમાં પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓને શહેરની પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલી કેનાલમાં પધરાવતા હોય છે જેના કારણે કેનાલમાં અસહ્ય ગંદકી સજૉતી હોય છે.પરંતુ ચાલુ સાલે ગણેશ ઉત્સવ પૂર્વે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે તમારા ઘરમાં પ્રસ્થાપિત કરાયેલી ભગવાન ગણેશજીની પ્રતિમાને કેનાલમાં વિસર્જિત ન કરવા અને કેનાલ ને સ્વચ્છ રાખવા ફક્ત અને ફક્ત પ્રતિમાને કેનાલમાં શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે પલાળી તે પ્રતિમાને નગરપાલિકા દ્વારા કેનાલ પાસે રાખવામાં આવનાર ટ્રેક્ટરની ટોલીમાં મૂકવા માટેની અપીલ કરાઈ હતી.
ત્યારે ગણેશ વિસર્જન માટે શનિવારના રોજ કેટલાક ધર્મ પ્રેમી નગરજનો પોતાના ઘરે પ્રસ્થાપિત કરેલી વિઘ્નહર્તાની પ્રતિમા કેનાલમાં વિસર્જિત કરવામાં માટે આવ્યા હતા પરંતુ કેનાલ પર પોલીસ બંદોબસ્ત સાથે ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓએ ભાવિક ભક્તોને પાટણ પાલિકા પ્રમુખની કરાયેલી અપીલ મુજબ સમજાવી ફક્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કેનાલમાં પ્રતિમાને પલાળીને પ્રતિમાને નગરપાલિકા દ્વારા કેનાલ પાસે કાર્યરત કરાયેલ ટ્રેક્ટરની ટોલી માં મૂકવા માટે સમજાવતા પાટણના નગરજનો એ પણ પાલિકા પ્રમુખની અપીલને શિરોમાન્ય રાખી કમૅચારી ઓની વાતને સમથૅન આપી પોતાના ઘરે સ્થાપિત કરાયેલ શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા ને કેનાલના પાણીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પલાળી નગરપાલિકાના ટ્રેક્ટર માં સુરક્ષિત રીતે મુકી વિધ્નહર્તા દેવને વિદાય આપી હતી. પાલિકા પ્રમુખ ની અપીલ ને કારણે ચાલુ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં પાટણના ધર્મ પ્રેમી નગરજનો દ્વારા પ્રતિમાનું વિસર્જન ન કરાતા પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાની ટીમે પાટણના ધર્મપ્રેમી નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી