કમૅચારીઓને જુની પેન્સન યોજના સરકાર દ્વારા લાગું નહિ કરાઈ ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાના શપથ ગ્રહણ કર્યા..
પાટણ તા. 2 “રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય” પ્રેરિત કર્મચારીને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે તારીખ 2 ઓક્ટોબર, 2023 ગાંધી જયંતી ના રોજથી પાટણ જિલ્લાના તમામ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો બાબતે આંદોલનનાં શ્રી ગણેશ કર્યા હતાં. પાટણ ગાયત્રી મંદિર, આનંદ સરોવરથી આજના કાર્યક્રમમાં સૌ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈ વિવિધ બેનરો સાથે રેલી સ્વરૂપે પ્રગતિ મેદાન, બી.એમ. હાઈસ્કૂલથી રેલ્વેનાળા જનતા હોસ્પિટલ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કર્મચારી ઓએ શપથ લીધા હતા કે જ્યાં સુધી બધા જ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો અમલ સરકાર નહીં કરે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખીશું.
આજના આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આઠ સંવર્ગ તથા વન વિભાગ, જિલ્લા પંચાયત, આરોગ્ય કર્મચારીઓ અને દરેક સરકારી કર્મચારીઓ પોતાના હક માટે જોડાયા હતાં.જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંતના હોદ્દેદારો, જિલ્લાના દરેક સંવર્ગના અધ્યક્ષ અને કારોબારી તથા મોટી સંખ્યામાં દરેક વર્ગના કર્મચારીઓ જોડાઇને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા અન્ય પડતર માંગણીઓનો સરકાર જ્યાં સુધી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી કર્મચારીઓનું આંદોલન ચાલુ રહેશે તે માટે “માટી નું તિલક” કરી દરેક કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હોવાનું રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી