માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગોની સાથે હાઇવે વિસ્તારના વેપારીઓ દ્વારા કરાયેલા દબાણોને લઈને સર્જાતિ ટ્રાફિક સમસ્યા..
ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા નક્કર કામગીરી કરાય તેવી પ્રજા માંગ પ્રબળ બની…
પાટણ તા. ૧૯
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેર ના હારીજ-રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર ખાનગી વાહન ચાલકો દ્વારા આડેધડ કરાતાં વાહન પાર્કિંગની સાથે હાઇવે વિસ્તારના વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાય દેસર ના દબાણોને લઈને અવાર નવાર આ માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે. ત્યારેહાલમાં વઢીયાર પંથકના પ્રસિદ્ધ શ્રી વરાણા ના ખોડીયાર માતાજીના મહા મેળા ને લઈને આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થવાની સાથે સાથે પદયાત્રીઓની સંખ્યા પણ વિશેષ જોવા મળતી હોય છે.
સોમવારે ઉપરોક્ત માગૅ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા બે કલાક થી વધુ સમય આ માગૅ પર વાહન ચાલકો અને રાહદારીઓ સહિત પદયાત્રીઓને હાલાકી ભોગવવી પડી હતી.હારીજ-રાધનપુર હાઈવે ચાર રસ્તા માગૅ પર અવાર નવાર સજૉતી આ વરવી ટ્રાફિકની સમસ્યા છતાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ના નિરાકરણ અર્થે કોઈ સધન કાર્યવાહી ન કરાતા અને હાઈવે વિસ્તારના દબાણો દૂર કરવામાં હારીજ નગર પાલિકા પણ વામણી પુરવાર થતા લોકો આ ટ્રાફિકની સમસ્યાને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે હારીજ -રાધનપુર હાઇવે ચાર રસ્તા પરની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં તંત્ર દ્વારા નકકર કામગીરી કરવામાં આવે તેવી માંગ પ્રજામાં પ્રબળ બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી