કેબિનેટ મંત્રી સહિતના રાજકીય,સામાજિક આગેવાનો એ પાંચ મહાદેવની પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી.
પાટણ તા. ૮
પાટણ જિલ્લામાં શિવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે દેવભૂમિ સિદ્ધપુર માં પાંચ સ્વયંભૂ મહાદેવોની ભવ્ય પાલખી યાત્રા સિદ્ધપુર નગરની પરિક્રમા એ નિકળી હતી જે યાત્રા નું પ્રથમ બિંદુ સરોવર ખાતે હરિહર મિલન થયું હતું.આ પાવન પ્રસંગે નાના ભૂલકાઓ સાજ શણ ગાર કરી ઘોડા પર સવાર થઈ પાલખી યાત્રામાં જોડાયા હતા. તમામ શિવાલયો આ પર્વે શિવ ભક્તો ની શ્રદ્ધા થી છલકાઈ ઉઠયા હતા.
ઐતિહાસિક, ધાર્મિક તેમજ દેવોનું મોસાળ કહેવાતી નગરી એવી સિદ્ધપુર નગરીના ફરતે પાંચ સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. આ સ્વયભૂ શિવાયલોમાં વટેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ ,સિઁદ્ધેશ્વર મહાદેવ, બહ્માંડેશ્વર મહાદેવ અને અરવડેશ્વર મહાદેવની ભવ્ય પાલખીઓ હર હર મહાદેવના નાદ સાથે વાજતે ગાજતે માતૃગયા તિર્થ બિંદુ સરોવર ખાતે એકત્રિત થઈ હતી. જ્યાં પીતાંબરધારી બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના બાદ દેવોનું હરિ હર મિલન કરાયું હતું. ત્યારબાદ પાલખી યાત્રા બિંદુ સરોવરથી નીકળી એલએસ હાઈસ્કૂલ, અફીણ ગેટ, અલવાનો ચકલો, કાળાભટનો માઢ, પત્થર પોળ , રૂદ્રમહાલય, મંડીબજાર થઈ પરત લીલા ભાવા પાસે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ ખાતે મહા આરતી બાદ વિસર્જન થઈ હતી..
આ સમગ્ર પાલખીયાત્રા દરમિયાન મોટીસંખ્યામાં નાના ભૂલકાઓ અવનવા વસ્ત્રો પરિધાન કરી અશ્વો પર સવાર થઈ અને પાલખીયાત્રાની શોભા વધારી હતી. પાલખીયાત્રાની નગર પરિક્રમા દરમયાન ભક્તો દ્રારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાણી, શરબત સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાલિકાના સ્ટાફે શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખડેપગે સેવા આપી હતી. પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેરો સહિતના ભાજપના નેતાઓ અને અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી પાલખી યાત્રાનું સ્વાગત કર્યું હતું. સિદ્ધપુર પોલીસ દ્વારા શોભાયાત્રા માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી