સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. -ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી…
સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપે સંપન્ન થશે : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત..
પાટણ તા. ૧૩
ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચય ની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે. જેનો ઉલેખ્ખ આપણાં વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય સવજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ. ભારત વિશ્વ ગુરુ બને તેવા આપણે સપના જોતા હતા.
જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થવા લાગ્યા છે. આપણો આ વિસ્તાર ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે. હિન્દુસ્તાનનો સુવર્ણ ઇતિહાસ પાટણની પ્રભુતામાં જોઈ શકાય છે, એવું કહેવામાં સહેજ પણ અતિશક્તિ નથી કે ઉત્તર ગુજરાત આધ્યાત્મિકતાની ધરતી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી.
જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ થયો છે જે આપણા સૌ માટે આનંદની વાત છે. જેના અનુસંધાને સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે. આ પ્રસંગે ધોળકિયા ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઈએ જણાવ્યું હતું કે કુદરતે મને બહુ જ આપ્યું છે જેથી મારે પણ સમાજને પરત આપવાની ઈચ્છા છે આપણે સૌ સારા સંકલ્પ કરીને માં સરસ્વતીના આશીર્વાદ લઈએ.
આ પ્રસંગે જળસંપતિ વિભાગ અધિક સચિવએમ.ડી.પટેલ, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી. એસ. પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, સંગઠનનાં હોદ્દેદારો ડૉ. દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી