પાટણ તા. ૨૪
પાટણની સ્પેશ્યલ પોકસો (સેસન્સ કોર્ટે એક પિતાને તેની સગી સગીર દિકરીને પોતાની હવસનો ભોગ બનાવી ગર્ભવતી બનાવ્યા બાદ પણ તેની સાથે છરીની અણીએ ધમકીઓ આપીને તે ગર્ભવતી હોવા છતાં પણ તેની સાથે વારંવાર બનાવનાં છેલ્લા દોઢેક વર્ષથી બળાત્કાર કરવાનાં જધન્ય અપરાધ સામે સખત વલણ અખત્યાર કરીને દુષ્કર્મી પિતાને તેની સામેની તમામ કલમો હેઠળ કોઈપણ દયા રાખ્યા વિના દરેક ગુના માટે એવી આજીવન કેદ કે જે આરોપીનાં કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદ (મૃત્યુ પામે ત્યા સુધી જેલમાં રહેવાની સખ્ત કેદ)ની સજા તથા કુલે મળીને રૂ।.16.50 લાખનો દંડ ફટકાર્યો હતો તથા આ દંડની રકમ બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને તેની નવજાત બાળકીનાં જીવન નિર્વાહ માટે વળતર સ્વરૂપે બે મહિનામાં ચુકવી આપવાનો આદેશ કર્યો હતો.
આ ચુકાદા સામે આરોપી હાઈકોર્ટમાં અપીલ કરે ને ત્યાં સુધી તેનો ચુકાદો આવતાં વિલંબ થાય તેમ હોવાથી આ દંડની રૂા. 16.50 લાખની રકમ પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ આ ચુકાદાનાં બે માસમાં ભોગ બનનાર કિશોરીને ચુકવી આપે તથા આ રકમ સત્તામંડળ આરોપી પાસેથી વસૂલવા માટે કાર્યવાહી કરી શકશે તેવો આદેશ આપ્યો હતો. આ કેસનો આરોપી બનાવ બાદ પકડાયા પછી – તે અત્યાર સુધી અંડર ટ્રાયલ પ્રિઝનર (યુ.ટી.પી.) હતો.
આ કેસમાં પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી જગદીશભાઇ કમશીભાઇ પરમાર (ઉ.વ.45) રે. સાંપ્રા. તા. સરસ્વતિ વાળા ને મૃત્યુપર્યંતની આજીવન કેદની સખ્ત સજાની સાથે પોક્સો એક્ટની કલમ 4(2) નાં ગુના માટે રૂા. બે લાખ, કલમ 5(એચ), 5(એન), 5(ક્યુ તથા 5 એલ)નાં દરેક ગુના માટે રૂા. 3,50,000 મળી કુલ રૂા.14 લાખનો દંડ અને દંડ ન ભરે તો દરેક દંડનાં ભંગ બદલ એક એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવા ની રહેશે. તથા આઇપીસી 506(2) અંતર્ગત 8 વર્ષની સખ્ત કેદ અને રૂા 50.000નો દંડ અને દંડ ન ભરે તો વધુ સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
સરસ્વતિ તાલુકાનાં એક ગામે રહેતા જગદીશભાઈ કમશીભાઈ પરમાર (ઉ.વ.45) એ તા. 13-1-2019 થી તા. 13-7-2020 દરમ્યાન પોતાની સગી દિકરી કે જે સગીર હોવાનું જાણતો હોવા છતાં પણ તા. 13-7- 2020 નાં રોજ તથા તેનાં દોઢેક વર્ષ અગાઉનાં સમય દરમ્યાન તેનો સગો પિતા થતો હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ બનાવનાં દિવસે રાત્રે કિશોરી દિકરી સુતી હતી ત્યારે તેનો મોંઢામાં ડૂચો મારીને તેને ધમકી આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ને તેને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પિતાનાં આ બળાત્કારનાં કારણે તેની સગી દિકરીને જે તે વખતે પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો. પોતે ગર્ભવતી થઇ હોવાની જાણ કિશોરીએ તેનાં પિતાને કરતાં પિતાએ તેને ધમકી આપી હતી કે, આ બાબત ની જાણ તે તેની માતાને કે અન્યને કરશે છરી મારીને તેનાં આંતરડા બહાર કાઢી નાંખીશ. ત્યાર બાદ દિકરી ગર્ભવતી હોવા છતાં પિતા તેને ધમકી આપીને અવારનવાર તેની હવસનો ભોગ બનાવતો હતો.
છેલ્લે તા. 8-7-2020 નાં રોજ રાત્રે દિકરીનું મોઢું દબાવી છરીની અણીએ ગર્ભવતી પુત્રી પર દુષ્કર્મ આચર નાર પિતા સામે પુત્રીએ આખરે તેની સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપી પિતા સામે આઈ પી સી 376 (2) એ, 376 (2) એચ, 376 (2) એન, 376 (3), 506( 2) પોક્સો એક્ટ 3(એ), 4, 4(2), 5(એચ), 5 (એલ), 5 (એન), 5(ક્યુ) મુજબ ગુનો નોંધ્યો હતો. જે કેસ આજે પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં જજ જી.જે. શાહે બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજુઆતો કરી હતી કે, આરોપીનો આ ગુનો જધન્ય છે. સમાજમાં દાખલો બેસે તે માટે તેને મહત્તમ સજા કરાય તો કાયદાનું સાશન હોવાનો સમાજમાં સંદેશો જશે ને સમાજમાં દાખલો બેસે. જજે આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી.
અહેવાલ યશપાલ શ્યામી