પાટણ તા. ૫
પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. રવિવારે પાટણમાં રન ફોર વોટ એટલે દોડીને મત આપીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી રાણકી વાવ સુધી આ રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સૌને અવશ્ય મત આપવા અને અન્યો ને પ્રેરિત કરવા માટે જણાવી રન ફોર વોટને લીલી ઝંડી આપીને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી.
રન ફોર વોટ મા વિદ્યાર્થીઓ હાથમાં મતદાનને મહત્વ આપતા બેનરો લઈને રાણકી વાવ સુધી દોડ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, જિલ્લા રમત-ગમત અધિકારી નરેશ ભાઈ ચૌધરી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રમત-ગમત સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી