ઝીરો વેસ્ટની થીમ પર કરવામાં આવશે નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ મિશન અર્બન ૨.૦ ની કામગીરી…
પાટણ તા. ૨૦
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ મિશન અર્બન ૨.૦ અન્વયે કામગીરીની તાલીમ યોજાઇ હતી. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૦ સમગ્ર દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે.
જેની સફળતાના આધારે ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કર્યું છે. જેમાં પાટણ જિલ્લાના અધિકારીઓને એક દિવસીય તાલીમ દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ મિશન અર્બન ૨.૦ માં પાટણ જિલ્લાનું સ્થાન ગુજરાતમાં અગ્રેસર બને તે હેતુથી તમામ આયામોની જાણકારી આપવામાં આવી હતી.
પાટણ જિલ્લાના તમામ નગરો કચરા મુક્ત બને ઉપરાંત આનું યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.સ્વચ્છ ભારત મિશન ૧.૦ અંતર્ગત ભારત ખુલ્લામાં શૌચ મુક્ત દેશ બન્યો છે. હવે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત કચરા મુક્ત શહેર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ચાર સ્તર પર કામ કરવામાં આવશે.
જેમાં સસ્ટેનેબલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સસ્ટેનેબલ સેનિટેશન મેનેજમેન્ટ, જન આંદોલન અને કેપેસિટી બિલ્ડીંગ મહત્વના પરિબળો છે. જેના પર તબક્કાવાર કામ કરીને સ્વચ્છ ભારત મિશન ૨.૦ ના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાશે. જેમાં કચરાનું ડોર ટુ ડોર કનેક્શન, સોર્સ સેગ્રેગેશન, ભીના કચરાનું પ્રોસેસિંગ, સુકા કચરા નું પ્રોસેસિંગ, ભીના અને સુકા કચરાનું કલેક્શન, કેપિસિટી બિલ્ડીંગ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેના આધારે વિવિઘ શહેરોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે સાથે નિર્મલ ગુજરાત ૨.૦ અંતર્ગત કચરા મુક્ત રાજ્ય બનાવવાનું અભિયાન પણ છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે આપણે પાટણ જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા તેમાં રહેલી ઉણપો દૂર કરવી પડશે. જેના માટે નાની નાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવું પડશે. નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ મિશન અર્બન ૨.૦ માં આપવમાં આવેલા નીતિનિયમો મુજબ કામગીરી કરીને પાટણ જિલ્લાને સ્વચ્છતા ક્ષેત્રે અગ્રેસર બનાવવા તમામ અધિકારીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, રીજિયનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીના એડિશનલ કલેક્ટર કે.વી.ભાલોડીયા,નિવાસીઅધિક કલેકટર બી.એસ.પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.પી.જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી