બેઠકમાં કાંકરેજી-વઢીયારી શ્રીમાળી સોની સમાજના પાંચ અગ્રણીઓ બિનહરીફ ચૂંટાયા..
પાટણ તા. ૧૪
સમગ્ર ભારતભરમાં વસતા શ્રીમાળી સોની સમાજ ના જ્ઞાતિ સમુહોના બનેલા શ્રી અખીલ હિંદ શ્રીમાળી સોની મહામંડળની આગામી કારોબારી સમિતિ માટેની ચૂંટણી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે જેમાં પાટણ-બનાસકાંઠા જિલ્લાની તેમજ ધોળકા બેઠક ઉપરથી કાંકરેજી-વઢીયારી સમાજના અગ્રણી ઓ બિનહરીફ ચૂંટાઇ આવતાં સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. અને ચૂંટાયેલા તમામને જ્ઞાતિ સમુહ દ્વારા અભિનંદન પાઠવી વધાવી લેવામાં આવ્યા હતા.
જ્યારે હારીજ બેઠક ઉપરથી જનતા પેટ્રોલીયમ વાળા દિનેશભાઈ સોનીના સુપુત્ર બકુલભાઈ સોની, બનાસકાંઠાની બે બેઠકોમાં પાલનપુરમાંથી ધાનધાર સમાજના ટેકા સાથે હિંમતભાઈ જે. સોની (પૂર્વ મંત્રી યુવક મંડળ) અને અન્ય બેઠક ઉપરથી પ્રભુ ભાઈ જવેલર્સ ડીસાવાળા કલ્પેશભાઈ પ્રભુ
દાસ સોની (ઉપપ્રમુખ યુવક મંડળ-પાટણ) જ્યારે અમદાવાદની ધોળકા બેઠક ઉપરથી બિપીનભાઈ શંકરલાલ સોની પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કાંકરેજી-વઢીયારી સોની સમાજના પાંચ સભ્યો મહામંડળમાં બિનહરીફ ચૂંટાઈ આવતાં સમાજે સર્વેને અભિનંદન સાથે સામાજીક કાર્યોમાં ખૂબ સક્રિય રહી આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાસમિતિની આ ચૂંટણીમાં જાગૃત પેનલ ઉગતો સુરજના નિશાન સાથે ચૂંટણી જંગમાં છે તેમાં અમદાવાદની બે બેઠકો ઉપરથી કાંકરેજી -વઢીયારી સોની સમાજના દશરથભાઈ ઇશ્વરલાલ સોની કાંસાવાળા અને હિતેશકુમાર અંબાલાલ સોની (ડીસાવાળા) એ ઝંપલાવ્યું છે. આ બંને ઉમેદવારો પણ વિજેતા બને તે દિશામાં અમદાવાદ ની સમગ્ર ટીમ યુવક મંડળના પ્રમુખ કૃણાલભાઈ સોની, મંત્રી સંજયભાઈ સોની, રોહિત ભાઈ ચોકસી, દક્ષેશભાઈ સોની સહિતનાઓ ના માર્ગદર્શન હેઠળ પુરજોશ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
શ્રી અખીલ હિંદ શ્રીમાળી સોની મહામંડળની પાટણ બેઠક ઉપરથી કલ્પેશભાઈ વિરચંદભાઈ ચોકસી (કે.વિરચંદભાઇ જવેલર્સ) મણુંદવાળા અને પ્રકાશભાઈ પી. સોની (શિહોરીવાળા)એ દાવેદારી નોંધાવી હતી. પરંતુ સમાજના પીઢ અગ્રણી પ્રહલાદ ભાઇ ડી. સોની પાટણ યુવક મંડળના પ્રમુખ કિરીટ ભાઈ સોની, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ બી. સોની, ભાર્ગવભાઈ સોની, બી.આર. સોની, ખજાનચી ચિરાગભાઈ સોની, દિલીપભાઈ સોની, અનુભાઈ સોની, મહેશભાઈ મોઢેરાવાળા, અમિતભાઈ સહિતનાઓની સમાજમાં એકતા જાળવી રાખવા અને ગત પાંચ વર્ષમાં પ્રકાશભાઇને તક સાંપડી હોઈ ઉદારતા દાખવી ઉમેદવારી પાછી ખેંચી લેવાની સહમતી આપતાં કલ્પેશભાઇ ચોકસી પાટણ બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમને સમાજના સર્વે અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી સમાજના બંને યુવાન બિન હરિફ ચૂંટાઈ આવતા સૌએ તેઓને વધાવી લીધા હતા.
અહેવાલ યશપાલ સ્વામી