પાટણ તા. ૧૭
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવે છે તેના ભાગરૂપે પાટણની પ્રાચીન ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં પ્રથમ વખત રક્ષાબંધન પર્વની શનિવારે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા દ્વારા સંયોજક કમલેશભાઈ સ્વામીની પ્રેરણાથી બાળકોને રક્ષા બંધન પર્વનું સાંસ્કૃતિક મહત્વ તથા પારિવારિક ભાવના જાણવા મળે તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંયોજક કમલેશભાઈ સ્વામીએ રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની પાછળની ભાવના સમજાવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે આ પર્વ દ્વારા બેન ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર રૂપે રાખડી બાંધે છે ત્યારે ભાઈ પણ આજીવન બહેનની રક્ષા કરવાની ખાતરી આપે છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાની બહેનો દ્વારા રાખડીઓ બાંધવામાં આવી હતી. તમામ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી આનંદ અનુભવ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં તમામ સ્ટાફ મિત્રોએ પણ લાઇબ્રેરીના કારોબારી સભ્યોને રક્ષાબંધનની આ ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો.અને વિદ્યાર્થી નીઓએ પણ શાળાના શિક્ષકોને રાખડી બાંધી હતી. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંતભાઈ ઠક્કર દ્વારા લાઇબ્રેરીના સભ્યોનું સ્વાગત કરી પ્રથમવાર તેઓની સ્કૂલમાં રક્ષા બંધન પર્વની ઉજવણી કરવા બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં લાઈબ્રેરી ના મંત્રી મહાસુખભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, સુનિલભાઈ પાગેદાર, હસુ ભાઈ સોની વગેરે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી