દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ છ માં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓના શરીર સાથે અડપલા કયૉ હોવાના આક્ષેપો વચ્ચે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો..
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના પગલે છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીની દ્વારા હારીજ પોલીસ મથકે લંપટ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી. .
પોલીસ ફરિયાદને લઈને ફરાર થયેલા લંપટ આચાર્યને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા..
પાટણ તા. ૨૨
પાટણ પીટીસી કાંડ લઈને શિક્ષણ જગત કલંકિત બન્યું હોવાની ઘટના હજુ પણ લોકમાનસપટ પરથી અલિપ્ત થઈ નથી ત્યારે આવી જ વધુ એક ઘટના શિક્ષણ જગતને ધબ્બો લગાવતી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી કેટલીક નાબાલીક વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઈ તેના શરીર સાથે અડપલા કરાયા હોવાના આક્ષેપો વચ્ચે તેના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રકાશમાં આવવા પામી છે.
તો આ બાબતે વિદ્યાર્થીનીઓના આક્ષેપો વચ્ચે લંપટ આચાર્ય સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રફુ ચક્કર થયેલા આચાર્યને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજાવતા પ્રવિણ પટેલે પોતાની શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી કેટલીક નાબાલીક વિદ્યાર્થીની ઓની એકલતા નો લાભ લઈ અવાર-નવાર તેઓના શરીરના વિવિધ અંગોના ભાગે અડપલા કરાતા હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી પામ્યો હતો.
તો બનાવના પગલે આચાર્યની છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીની પૈકી એક વિદ્યાર્થીની દ્વારા લંપટ આચાર્યને સબક મળે તે માટે હારીજ પોલીસ મથકે લંપટ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હારીજ પોલીસે પોકસો વિથ એટ્રોસિટીનો ગુનો નોધી આ લંપટ અને ફરાર થયેલા આચાર્યને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરને કલંકિત કરતી પીટીસી કાંડની ઘટના વર્ષો પછી પણ લોકમાનસપટ પરથી વિસરાય નથી ત્યાં હારીજ તાલુકાના દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ના કરતુતો ને લઈને ફરી એક વખત શિક્ષણ નગરી પાટણ કલંકિત બની હોય તેવું શિક્ષણ આલમ સાથે સંકળાયેલા શિક્ષિત લોકો માં ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે.
આ સમગ્ર ઘટના બાબતે નોંધાયેલી ફરિયાદ મામલે હારીજ પોલીસ સ્ટેશનના પી.આઈ તરફથી જાણવા મળેલી માહિતી મુજબ દુનાવાડા પ્રાથમિક શાળા ની છેડતીનો ભોગ બનનારી વિદ્યાર્થી ની પૈકી એક વિદ્યાર્થીનીએ શાળા ના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય હારીજ પોલીસે પોકસો વીથ એટ્રોસિટી નો ગુનો નોંધી વધુ તપાસ રાધનપુર ડીવાયએસપી ચલાવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
બોકસ..
દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ છ માં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે કથિત છેડતીના બનાવ પગલે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશો જારી કરી લંપટ આચાર્યને ફરજ મૌકુફ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી