સનાતન ધર્મની રક્ષા કાજે યુવા પેઢી ધાર્મિકતા તરફ વળી સનાતન ધર્મના ઉત્કર્ષ માટે કાર્ય કરે : સંતો..
પાટણ તા. ૨૩
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠામ્ (SGVP) સરખેજ હાઇવે, અમદાવાદ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુ વર્ય શ્રી માધવપ્રિયદાસજી મહારાજ સાહેબ દ્વારા સમગ્ર ગુજરાતની હિન્દુ ધર્મ માટે વિવિધ વિચારો ધરાવતી સંસ્થાઓ ફક્ત સનાતન ધર્મ પ્રત્યે એકતા દાખવી આવનાર યુવા પેઢી સંગઠિત બની એક થઈ તેના ઉત્કર્ષ માટેના કાર્યો કરે તે વિષયની ચર્ચા અને પાટણના ઐતિહાસિક વારસાની, દેવસ્થાનોની ઔપચારિક મુલાકાત માટે પૂ.સંતશ્રી દર્શન સ્વામીજી મહારાજ અને પૂ.શ્રી સર્વ મંગલ સ્વામીજી મહારાજ પોતાના અનુયાયીઓ સાથે પાટણ ના જાણીતા સંગીતકાર કમલેશભાઈ સ્વામીને આંગણે પધાર્યા હતા.
તેઓએ વિશ્વ વિખ્યાત રાણીનીવાવ,પટોળા તેમજ ઓતિયા પરિવાર દ્વારા બનાવવામાં આવતાં માટીના રમકડાં વિશે જાણકારી પ્રાપ્ત કરી પાટણ ની ઐતિહાસિકતા ને સરાહનીય લેખાવી આનંદિત થયા હતાં. સંતોએ નિરંજન નિરાકાર સ્વરૂપ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની વાડીની રચના અને તેમાં બિરાજેલ 33 કોટી દેવતા, 88 હજાર ઋષિ, યાદવો અને પૂજનીય શ્રી શંકરાચાર્યના ક્યારાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ મંદિરે ઉપસ્થિત પૂજારી હરેશ ભાઈ સ્વામી, શાંતિભાઈ સ્વામીએ અને યશપાલ સ્વામીએ વાડીની મુલાકાત દરમિયાન શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ના ઈતિહાસથી સંતોને વાકેફ કર્યા હતા. ત્યારબાદ સંતોએ વિશ્વ હિન્દુ પરિષદના જગદીશ ભાઈ ઠક્કર,હિતેશભાઈ ઠક્કર,ધ્રુવ નાયક,જીતેન્દ્ર ઓતિયા અને બીજા પ્રકલ્પના યુવા હોદ્દેદારો સાથે સનાતન ધર્મ વિશે ચર્ચા કરી યુવા પેઢી ધાર્મિકતા તરફ વળી સનાતન ધર્મના ઉત્કર્ષ માટે કાર્ય કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શ્રી ઘનશ્યામ ભગવાનના હરિભકતોને ત્યાં પધરામણી કરી પાટણ ની આ ઔપચારિક મુલાકાત ને સંતોએ વિસ્મરણીય ગણાવી સૌ હરિભક્તોને જય સ્વામિ નારાયણ કરી રૂડા આશિર્વાદ પાઠવ્યા હતાં.