પાટણ તા. ૨૩
નીતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત દેશના ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવેલા છે તે પૈકી ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે જેમાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા આજરોજ સાંતલપુરની મુલાકાત લીધી હતી.
બાળમૃત્યુ, માતામૃત્યુ, કુપોષણ અને એનિમિયા એમ જાહેર આરોગ્યના ચાર મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સમસ્યાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એસ્પીરેશન તાલુકામાં આરોગ્ય અને પોષણની સ્થિતિમાં ઝડપી સુધારો લાવવા માટે સમસ્યાઓના તબીબી કારણો સાથે સામાજિક વ્યવહાર સમસ્યા ઉકેલવા લોકોમાં સેવાઓની માંગ ઉભી કરવા તથા સામાજિક વર્તૂણૂકમાં પરિવર્તન લાવવા માટે જન સમુદાયની સક્રીય ભાગીદારી વધારવા તેમજ અતિ જરૂરીયાત ધરાવતા વર્ગો-નવજાત શિશુઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો,કિશોરીઓ અને સગર્ભામાતાઓના આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
તાલુકા કચેરી વારાહી ખાતે નિયામક ડીઆરડીએ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પોગ્રામ ઓફિસર આઇસીડીએસ તથા જિલ્લા અને તાલુકાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે કામગીરીની સમીક્ષા સાથે જરૂરી આયોજન કરી અમલવારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.