પાલિકા સતાધીશો દ્રારા આનંદ સરોવર પ્રત્યે દુલૅક્ષ સેવાતા અસામાજિક પ્રવૃત્તિઓ ફુલી ફાલી..
પાટણ તા. 21
પાટણ નગર પાલિકા ના સતાધીશો ની નિષ્ક્રિયતા ને કારણે પાટણ શહેરના મધ્યમાં આવેલ પયૅટક સ્થળ સમા આનંદ સરોવરની હાલત દયનીય બની છે. એક સમયે ગુજરાત ના પ્રથમ પૂવૅ મહિલા મુખ્યમંત્રી અને પાટણના પૂવૅ ધારાસભ્ય આનંદીબેન પટેલ દ્વારા લોક ભાગીદારીથી અને અથાગ પ્રયાસોથી કરોડોના ખર્ચે વિકસાવેલ ગુંગડી તળાવને આનંદ સરોવર સ્વરૂપે શહેરીજનોને સમર્પિત કરી તેઓના સપનાને સાકાર કરવામાં આવ્યું હતું.
આ આનંદ સરોવરમાં નૌકા વિહાર સહિતની બાળકોના મનોરંજન માટેની સાધન સામગ્રીઓ માછલીઘર નું નિર્માણ પણ કરવામાં આવ્યું હતુ.જેના કારણે શહેરીજનો પણ રજા ના દિવસોમાં સહ પરિવાર સાથે આનંદ સરોવર ખાતે આવી પોતાના બાળકો સાથે આનંદ પ્રમોદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ આનંદ સરોવરની ગરિમા હણાતા અહીં આવતા પર્યટકો અને પરિવારજનો એ પણ આનંદ સરોવર સામેથી મો ફેરવી લેતા હાલમાં આનંદ સરોવર ઉજ્જડ વિરાન સમૂહ બન્યું છે. જેનો લાભ કેટલાકઅસામાજિક તત્વો લઈ રહ્યા હોય આવા સામાજિક તત્વો દ્વારા રાત્રીના સુમારે આનંદ સરોવરમાં દારૂની મહેફિલો સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
તો કેટલાક અસામાજિક તત્વો આનંદ સરોવર ની ફરતે લગાવાયેલી લોખંડની ગ્રિલ ને તોડી બારોબાર ભંગારમાં વેચી પોતાની અસામાજિક પ્રવૃત્તિને સંતોષી રહ્યા છે જે બાબતે પાટણના પ્રબુધ્ધ નગરજનો દ્વારા તેમજ મીડિયા માધ્યમથી અનેક વખત પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં રાચતા પાલિકાના સતાધીશો દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કે પોલીસ ફરિયાદ ન કરાતા આવા અસામાજિક તત્વો બે ફોમ બનીને આનંદ સરોવરની ગરીમાને હણી રહ્યા છે. ત્યારે આનંદીબેનના સપનાને સાચા અર્થમાં સાર્થક કરવા અને આનંદ સરોવરની ગરીમાને પુનઃ જીવંત બનાવવા પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રયત્નો હાથ ધરાય તેવી પાટણના પ્રબુધ્ધ નગરજનોની માંગ પ્રબળ બનવા પામી છે.