પાટણમાં પૂર્વ સૈનિકોને નિવૃત્તિ બાદ રોજગાર સંબંધિત માહિતી મળી રહે તે માટે રોજગાર કચેરીમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
પાટણ તા. 22
પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓ અને તેઓના આશ્રીતોનુ રવિવારે સંમેલન ન્યુ કોન્ફરન્સ હોલ જિલ્લા સેવા સદન પાટણ ખાતે યોજાયું હતુ. જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને આયોજીત આ સંમેલનમાં પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સાડી ભેટ આપીને સ્વાગત કરાયું હતુ. પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓ સાથે તેઓના બાળકો પણ આજના સંમેલનમાં હાજર રહ્યા હતા.
પાટણ ખાતે આયોજીત સંમેલનમાં ધર્મ પત્નિઓ અને તેઓના આશ્રીતોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓ તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવી.
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા દરેક પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા તેઓના આશ્રિતોને સંબોધિત કરતા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતુ કે, પાટણમાં પૂર્વ સૈનિકોને રોજગાર મળી રહે તે માટે રોજગાર કચેરીમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શહીદ અને દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓને નિવાસી અધિક કલેક્ટરે તમામ પ્રકારની મદદ માટે આશ્વાસન પણ આપ્યું હતુ. જે રીતે સૈનિકો દેશ માટે પોતાના જીવના જોખમે દેશની સેવા કરે છે તે રીતે તેઓના બાળકો પણ અભ્યાસ કરી દેશ સેવા માટે આગળ આવે. દેશની સેવા કરવા માટે દરેક નાગરિકને સરહદ પર જવાનો મોકો નથી મળતો પરંતુ જ્યાં હોઈએ ત્યાં રહીને પણ આપણે રાષ્ટ્રસેવા કરીએ. માજી સૈનિકો સંબંધિત બાબતો પર ત્વરિત કાર્યવાહી માટે વહીવટી તંત્રની તમામ કચેરીઓને સૂચન કરવામાં આવશે.
આ સંમેલનમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ પુન
ર્વસવાટ અધિકારી મહેસાણા હિરેન એન.લીમ્બાચીયા, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના ધર્મ પત્નિઓ અને તેઓના આશ્રીતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.