માતાજીની શોભાયાત્રા, હવન યજ્ઞ સહિતના ધામિૅક ઉત્સવને સફળ બનાવવા ચાલતી તડામાર તૈયારીઓ..
પાટણ તા. 28
પાટણ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા ધારણોજ ના શ્રી જહુ માતાજી મંદિર પરિસરનો પાંચમો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ પાંચમી ફેબ્રુઆરીને રવિવારના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવાનાર છે ત્યારે શ્રી જહુ માતાજી મંદિર પરિસર ખાતે ટ્રસ્ટી મંડળ સહિત સમસ્ત ગ્રામજનો, યુવાનો અને માઈભક્તો દ્વારા તૈયારી ઓ હાથ ધરવામાં આવી છે.
શ્રી જહુ માતાજી મંદિર પરિસરના પાંચમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસર ખાતે થી સવારે 10:00 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે માતાજીની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામશે. તો મંદિર પરિસર ખાતે માતાજી સન્મુખ હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા ભાવિક ભક્તો માટે બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાશે. શ્રી જહુ માતાજી મંદિર પરિસરના પાંચમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી ઓગડમહંત શ્રી 1008 બળદેવનાથજી મહારાજ દેવદરબાર જાગીરમઢ ખાસ ઉપસ્થિત રહી પોતાના રૂડા આશીર્વાદ પાઠવનાર હોવાનું શ્રી જહુ માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણીયાએ જણાવ્યું હતું.