બાઈક સવાર બે ઈસમો ને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..
ઘટના ને પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા : પોલીસ ધટના સ્થળે પહોંચી..
પાટણ તા. 21
પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર ભાભર ત્રણ રસ્તા નજીક મંગળવારે ટેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં બાઇક ઉપર સવાર બે ઈસમોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે રાધનપુર અને ત્યારબાદ મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. બનાવ ના પગલે હાઈવે માગૅ પર ટ્રાફિકના દ્રશ્ય સર્જાતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના સવારના સુમારે રાધનપુરના નેશનલ હાઇવે માર્ગ નંબર 27 પરથી પસાર થઈ રહેલા ટેલર ને ઓવરટેક કરવા જતા બાઈક સ્લીપ ખાઈ જતા ટેલર નીચે ઘૂસી ગયું હતુ જોકે ટેલર ચાલકે અચાનક બ્રેક મારી દેતા જાનહાની ટળી હતી.
આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબો એ પ્રાથમિક સારવાર આપી બંને ઈસમો ની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે બંનેને મહેસાણા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઇવે પરનો ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.