મહિલાઓના ટોળાએ પાલિકા કેમ્પસ ખાતે આવી સત્તાધીશો વિરોધ સુત્રોચ્ચાર કરીને માટલા ફોડી રામધૂન બોલાવી..
વિસ્તારની પાણીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ નહિ આવે તો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી. .
પાટણ તા. 15
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માં સરેઆમ નિષ્ફળ નીવડી હોય તેવી પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા, સફાઈ, સ્ટ્રીટલાઈટ,ભૂગર્ભ ગટર તેમજ પાણીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં સરેઆમ નિષ્ફળ નિવડી હોય ત્યારે પાટણ નગર પાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 5 ની રાજકમલ સોસાયટી, રાધેશ્યામ સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારોમાં માં રહેતા અંદાજે 300 થી વધુ પરિવારો છેલ્લા છ મહિના થી પાણીની સમસ્યા ને લઈને અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.તો અંબાજી નેળીયા વિસ્તારમાં માં નવીન રોડનું કામ ચાલતું હોય પાણીના ટેન્કર વાળા પણ ઊંચા ભાવ માંગે છે. તો વધારે પૈસા આપવા છતાં ઘણી વખત પાણીના ટેન્કર વાળા આ વિસ્તારમાં આવવા તૈયાર થતા નથી જેના કારણે સવારની સ્કૂલના ટાઈમે રહીશોને પાણીની સમસ્યા નિવારવા માટે હાશાપુર સુધી પાણી ભરવા જવાની ફરજ પડે છે.તેમજ મોંઘા પાણીના ટેન્કરો મંગાવી પોતાની સમસ્યાનુ સમાધાન કરવાનો વારો આવતો હોય છે.
આ વિસ્તારના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટરો સહિત પાલિકા સત્તાધિશ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. જેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલી આ વિસ્તાર ની મહિલાઓ શનિવારે બપોરના સુમારે નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી. પરંતુ બપોર ના સમયે નગર પાલિકાના જવાબદાર માંથી એક પણ અધિકારીઓ હાજર ન હોવાથી મહિલાઓએ પાલિકાના સત્તાધિશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકા કેમ્પસમાં માટલા ફોડી રામધૂન બોલાવી પોતાના વિસ્તારની પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા વિરુદ્ધમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.