દેવી શક્તિના મંદિરોમાં ભક્તોએ પૂજા અર્ચન સાથે દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી..
પાટણ તા. 22
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો દેવી શક્તિઓના મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના સાથે દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
પાટણનાં રાણકી વાવ રોડ પર આવેલ પ્રાચીન નગર દેવી કાલીકા માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના 9 દિવસીય મહોત્સવનો ભકિતસભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પ્રથમ દિવસે મૈયા ને સિંહ પર સવાર ની આગી કરાઈ હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.ચૈત્રી નવરાત્રી ને અનુલક્ષીને આઠમ ના દિવસે મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલ વચ્ચે સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.ઐતિહાસિક પાટણ નગરના પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ સ્થાપીત નગરદેવી કાલીકા માતાનું પ્રાચીન મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહયું છે. પ્રાચીન મંદિરના કિલ્લા માંથી માતાજી સ્વયંભુ પ્રગટ થયા હતા.
જયાં આદ્યશકિત માં કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરુપમાં ભદ્રકાલી માતા બીરાજમાન છે.ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મૈયાને સિંહ પર સવાર ની વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં પુજારી અશોકભાઈ વ્યાસ દ્વારા મૈયાની દૈદિપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકારના આભુષણો થી આભૂષિત કરાયા હતા. તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફુલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૈયાની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ મૈયાના દર્શનાર્થે ઉમટી પડયા હતા.
નવ દિવસીય મહોત્સવમાં કાલીકા મંદિર ખાતે મૈયાને નિતનવા વસ્ત્રો પરીધાન તેમજ અલંકારોથી આભુષિત કરવામાં આવશે.તેમજ છેલ્લા 14 વર્ષથી નગરદેવીના મંદિરમાં દ્વિદિવસીય શાસ્ત્રીય તથા સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે.આ પરંપરા મુજબ તા. 29-03- 2023 ને બુધવારે અમદાવાદની સુપ્રસિધ્ધ સંસ્થા સપ્તકના પંડિતો તથા અન્ય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયન ના અને નૃત્યનાટિકાના કાર્યક્રમો સાંજે 6 થી રાત્રિના 11 દરમિયાન રજૂ કરવામાં આવશે ત્યારબાદ તા. 30-3-2023 ને ગુરુવારના રોજ સાંજે 7 થી રાત્રિના 11 દરમિયાન રાજ્યકક્ષાના પુરસ્કાર વિજેતા તમામ સ્થાનિક કલાકારો તેમજ જાણીતા સંગીતજ્ઞો દ્વારા અર્ધશાસ્ત્રીય ગાયન માતાજી સમક્ષ અને સુગમ ગીતો તથા સમુહ તબલા વાદન રજૂ કરવામાં આવશે.