ગોધરા ટ્રેન કાંડ મામલે દોષિતો અને સરકારની અરજીઓનો નિકાલ 10 એપ્રિલના રોજ કરવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે કેટલાક આરોપીઓ વિશે તથ્યપૂર્ણ વિગતો ચકાસવાની છે. ખંડપીઠે તુષાર મહેતાની રજૂઆત સ્વીકારી હતી અને આ મામલાની વધુ સુનાવણી 10મી એપ્રિલે કરી છે.
સુપ્રીમ કોર્ટ આગામી 10 એપ્રિલે 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતો અને ગુજરાત સરકારની અરજીઓનો નિકાલ કરશે. 30 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની સજા પામેલા કેટલાક દોષિતોની જામીન અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. ગુજરાત સરકારે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે.
સમગ્ર કેસનો આ હતો મામલો 2002ના રોજ, ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લાગવાથી 59 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ માટે સરકાર દ્વારા વિશેષ SITની પણ રચના કરવામાં આવી હતી. દર વર્ષે ગોધરા કાંડની વર્ષગાંઠ પર, સ્થાનિક લોકો કોચ પર આવે છે અને કાર સેવકોની આત્માને શાંતિ મળે તે માટે ફૂલ અર્પણ કરે છે.