પાટણ તા. 28
” કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી.
અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી.”
આ પંકિતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ શોર્ય દિનની ઉજવણી પ્રસંગે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ પાટણના કાર્યકર્તાઓમાં જોવા મળ્યું હતું.
ઉપરોક્ત ત્રિવેણી સંસ્થાઓ દ્વારા શોર્ય દિવસની ઉજવણીનો એક સારો વિચાર કે, સરહદ પર દેશની રક્ષા કાજે જે શહિદોએ પોતાનું બલિદાન આપ્યું છે. તેઓના પરિવાર માટે આપણે કંઈક કરવું જોઈએ. દેશસેવા, નિષ્ઠા, સારું કાર્ય કરવાની ભાવના નિ: સ્વાર્થ ભાવે આ વિચારને કુદરતે પણ સાથ આપ્યો. શૌર્ય સંઘ્યા ટીમ નાં તમામ મિત્રો કોઈ હોદ્દો, પદ, પ્રતિષ્ઠા જોયા વગર જેનાથી જે શકય બન્યું.
તે મુજબ 15 દિવસથી મેદાન પર તડામાર તૈયારીઓ કરી રહયા હતા. શિલ્ડ, ટ્રોફી, મહેમાનો, ડોકયુમેન્ટરી, શહીદ પરિવારને લાવવા લઈ જવા, આમંત્રણ પત્રિકા, સ્ટેજ, મંડપ, ડોનેશન, જેવી અનેક તૈયારીઓ પૂર્ણ કરી
તા.23 ના રોજ બધી જ તૈયારી સાથે 7-30 કલાકે કાર્યક્રમ શરૂ થવાનો હતો અને કુદરતને પણ આ શહિદોને શ્રધ્ધાજંલિ અર્પવાની હોય તેમ અચાનક અકલ્પનીય વાતારવણમાં પલટો આવ્યો.
વેગીલો પવન, ધૂળની ડમરીઓ વચ્ચે ચોમાસાની જેમ અનરાધાર વરસાદ વચ્ચે બધા જ સભ્યોનાં દિલમાં ફફડાટ, ધબકારા વધી ગયા આવા જોરદાર આયોજન,મહેનત વચ્ચે ખરી કસોટી પ્રભુએ કરી. પરંતુ કહેવાય છે કે, તમારી વૃત્તિ અને ભાવના સારી હોય અને કોઈના માટે કંઈક કરી છૂટવાની તમન્ના એ આ કસોટીમાં સફળતા
પૂર્વક પાર પાડીને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.
ભેગા થવું એ શરૂઆત છે.
ભેગા રહેવું એ પ્રગતિ છે.
પરંતુ, ભેગા મળીને વિકટ પરિસ્થિતીમાં કામ કરવું એ સફળતા છે. માત્ર ગ્રુપમાં એક જ મેસેજથી જરાય હતાશ કે નિરાશ થયા વગર એટલા જ ઉત્સાહ અને જોશથી કોઈપણ પરિસ્થિતીમાં આ શહીદોનું સન્માન કરવું છે. કાર્યક્રમને સફળ બનાવવો જ છે. એ સંકલ્પ અને હકારાત્મકતા વચ્ચે તમામ સભ્યો કામે લાગી ગયા.
સંપ,સમૂહભાવના, સંકલ્પ શકિતનું ઉત્તમ ઉદાહરણ મેદાન પરથી 100 જેટલી ચીજવસ્તુઓને યાદ કરી સમયસર નવા સ્થળે પહોચતી કરવી, એકસાથે અનેક ગાડી ભરી બધો જ સામાન ફેરવવો, શહીદ પરિવારના 120 થી વધુ સભ્યોને 18 ગાડીઓની વ્યવસ્થા ધ્વારા સ્થળ પર પહોચાડવા, તમામ આમંત્રિત મહેમાનોને સ્થળ ફેરફાર ની જાણ તથા સ્થળ સુધી આવવા આહ્વાન કર્યુ,
જાહેર જનતા સુઘી સ્થળ ફેરફાર નો મેસેજ પહોંચાડવો, જેમ રાવણ પર વિજય મેળવવા રામસેતુ બનાવવા ખિસકોલીથી માંડી વાનર, કુદરતી રેત, માટી, પથ્થર, તમામે કંઈક ને કંઈ યોગદાન આપ્યું અને સેતુ રચાઈ ગયો. તે જ રીત દેશસેવાનો ઉદાત્ત ભાવનાથી શહીદોના કુટુંબ માટે કંઈક કરવાની નિ:સ્વાર્થ ભાવનાને કાર્યક્રમના મેદાનથી, નવું સ્થળ યુનિવર્સિટી કન્વેશન હોલ સુધી એક સેતુ રચાઈ ગયો.
એક પછી એક કામ થતાં ગયાં અને જાણે કુદરતે પણ પ્રયાસના પ્રયાસને સફળ બનાવવા સંકલ્પ કર્યો હોય તેમ આ સેતુને રામસેતુની જેમ હનુમાનથી માંડી તમામને સેનાને મદદ મળી ગઈ અને જાણે આ જ હોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું હોય તેવી સફળતાપૂર્વક કોઈપણ વિધ્ન વગર સુંદર કાર્યક્રમ યોજાયો.
ત્રણેય સંસ્થાઓની સમર્પણ, ટીમવર્ક, અને સંપ જોઈને જોનારા અભિભૂત થઈ ગયા આ એકતા અને સંપ લોહીમાં હોય છે. બાકી કીડીઓ કયાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે. એ વાકય યાદ આવી જાય.અંતે, કોઈપણ સ્વાર્થ ,પ્રતિજ્ઞા, પ્રતિષ્ઠા ભૂલીને બધાએ એક થઈને કામ પાર પાડવું ખરેખર સૌને વંદન છે. દેશ આપણો આત્મા છે, સમાજ એ હદય છે, સમાજસેવા એ જ વિકાસનો સૂર્યોદય છે. ખરેખર, ટીમવર્ક જોઈને એમ કહી શકાય કે આ સંકલ્પ થી સફળતાનો સૂર્યોદય થયો છે