દ્વિદિવસીય આયોજિત સંગીત સમારોહ નો ભક્તિ સભર માહોલ મા પ્રારંભ..
માતાજીના સ્વરુપને અનુરુપ ગીત, સંગીત અને નૃત્ય રજુ કરાયા..
પાટણ તા. 30
પાટણ શહેરના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં છેલ્લા 14 વર્ષથી લગાતાર દર વર્ષે ચૈત્ર સુદ આઠમ અને નોમના દિવસોએ દ્વિદીવસીય શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય તથા અર્ધશાસ્ત્રીય ગાયન- વાદનના કાર્યક્રમો આયોજિત કરી મા ની ભકિત કરવામાં આવે છે.જે પરંપરા મુજબ બુધવારે ચૈત્રી આઠમની પવિત્ર રાત્રે શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી માને રીઝવવાનો પ્રયાસ કરાયો હતો.
ચૈત્રી આઠમના પ્રથમ ચરણમાં માધવી ચોક્સી દ્વારા શ્રી માતાજીના સ્વરુપને અનુરુપ નૃત્ય રજુ કર્યું હતું . ત્યારબાદ નંદિતા ભટ્ટ અને સાક્ષી સોની યુગલ સ્વરૂપે કથ્થક નૃત્ય રજૂ કર્યું હતું. જયારે દ્વિતિય ચરણમાં અમદાવાદની સુપ્રસિધ્ધ સંગીત સંસ્થા ‘સ્વરાલય અકાદમી’ના ચાલીસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પાટણમાં સૌ પ્રથમ વાર શાસ્ત્રીય સમુહ ગાયન રજૂ કરતા ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. ત્યારબાદ ત્રીજા ચરણમાં અમી પરીખ તથા ચોથા ચરણમાં રાધિકા પરીખે પોતાના મધુર કંઠે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કર્યું હતું .
પાંચમા ચરણમાં પંડિત વિકાસ પરીખે માતાજીને રીઝવવા શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું હતું . અને છેલ્લા અને છઠ્ઠા ચરણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને પંડિત જશરાજજીના પટ્ટ શિષ્ય પંડિત નીરજ પરીખે પોતાના બુલંદ કંઠે શાસ્ત્રીય ગાયન રજૂ કરીને માતાજીને કાલાવાલા કર્યા હતા.
તો ગુરુવારે સાંજે અર્ધશાસ્ત્રીય ગાયન, હળવું કંઠ સંગીત તથા સમુહ તબલા વાદનની પ્રસ્તુતિ કરાશે. જેમાં ડૉ. સમ્યક પારેખ તથા કમલેશ સ્વામી સહિત પાટણનાં કલાકાર-વિદ્યાર્થીઓ કે જેઓએ આ વર્ષે રાજ્ય
કક્ષાએ પુરસ્કાર મેળવીને પાટણ ને ગૌરવ અપાવ્યું છે તેવા કલાકારોમાં શિખા નાયક, પૂજા બારોટ, ખ્યાતિ નાયક, મયુર દવે, દીયા યોગી, આરતી લિમ્બાચીયા, વૈદેહી ઠક્કર, શીતલ રાજપૂત, પ્રવિણ ગઢવી, દીપા ઠાકોર વગેરે અર્ધશાસ્ત્રીય તથા હળવું કંઠ સંગીત રજૂ કરશે.
પાટણનાં જાણીતા તબલા વાદક દિક્ષિત પ્રજાપતિ અને એમનાં શિષ્યો સમુહ તબલાવાદન રજૂ કરશે.
આમ પાટણનાં નગર દેવી કાલીકા માતાજીના મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલ મા ચૈત્રી માસની આઠમ અને નૌમ બે દિવસ સુંદર કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હોય જે ધાર્મિક કાયૅક્રમ ને સફળ બનાવવા મંદિર ના પુજારી અશોકભાઈ વ્યાસ, દશૅકભાઈ ત્રિવેદી સહિત મા ના ભકતો દ્રારા જહેમત ઉઠાવી છે.