ઉત્સવની પૂર્વ સંધ્યાએ હનુમાન ભક્તો દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરાશે..
બહેનો દ્વારા પ્રથમ રોટલી કે રોટલો શ્રી રોટલીયા હનુમાનજીના નામે બનાવી અબોલ જીવો માટે અર્પણ કરાશે..
શ્રી રોટલીયા હનુમાનજી મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આયોજિત કિર્તીદાન ગઢવી ના ડાયરામાં રોટલી કે રોટલા દ્વારા જ ડાયરા માં પ્રવેશ અપાશે…
પાટણ તા.13
પાટણ શહેરમાં આવેલ જગતના સૌ પ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાનજી દાદાના મંદિર પરિસર ખાતે આગામી તારીખ 16 એપ્રિલ ના રોજ મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે રોટલીયા ઉત્સવનું ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને લોક ડાયરા ના બેતાજ બાદશાહ એવા કિર્તીદાન ગઢવીના સથવારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રોટલીયા હનુમાનજી મંદિર પરિસરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની માહિતી પ્રદાન કરવા શ્રી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ તથા રોટલીયા હનુમાનજી મંદિર પરિવાર દ્વારા ગુરૂવાર ના રોજ પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા શ્રી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી રોટલીયા હનુમાનજી મંદિર પરિવારના સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું કે જગતના પ્રથમ એવા પાટણ શહેરમાં સ્થાપિત કરાયેલ શ્રી રોટલીયા હનુમાન દાદાના સાનિધ્ય માં આગામી તારીખ 16 એપ્રિલના રોજ પ્રથમ વાર્ષિક પાટોત્સવ ની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 15 મી એપ્રિલના રોજ પાટણ શહેરના તમામ લોકોને સાંજે 7:00 કલાકે પોતાના નિવાસ્થાને,ધંધા ના સ્થળે, જાહેર માર્ગો પર તમામ વ્યક્તિઓએ શ્રી રોટલીયા હનુમાનજીની એક હનુમાન ચાલીસા પાઠ દ્વારા આ રોટલીયા ઉત્સવમાં સહભાગી બનવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તો તારીખ 16 મી એપ્રિલને સવારે પાટણ શહેર તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારની તમામ બહેનોને સવારની રસોઈ બનાવતા વખતે પ્રથમ રોટલી કે રોટલો શ્રી રોટલીયા હનુમાનજી મહારાજના નામે બનાવી રોટલીયા હનુમાન મંદિર પરિસર ખાતે દર્શન કરી દાદાના ચરણોમાં તે રોટલી નો પ્રસાદ અર્પણ કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાત્રે આયોજિત કરાયેલા કિર્તીદાન ગઢવી ના લોક ડાયરામાં પણ જે પણ પ્રેક્ષક ને લોક ડાયરાની મજા માણવી હોય તેઓને ડાયરાના સ્થળે એક રોટલો અથવા 10 રોટલી આપ્યા બાદ જ ડાયરામાં પ્રવેશ કરવા મળશે આમ શ્રી રોટલીયા હનુમાનજી મંદિર પરિસરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા રોટલીયા ઉત્સવ પ્રસંગે ઉત્સવ ઉજવાનાર હોવાનું તેમજ ડાયરા દરમિયાન એકત્રિત કરાયેલ 25000 કરતાં વધુ રોટલી રોટલાઓ પાટણ શહેર અને આજુબાજુ વિસ્તારના રખડતા ભટકતા અબોલ જીવોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરી તેઓની જઠરાગ્ની ને તૃપ્ત કરવાનો સંકલ્પ શ્રી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને શ્રી રોટલીયા હનુમાનજી પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ શહેરમાં જગતનું એકમાત્ર નિર્માણ પામેલ શ્રી રોટલીયા હનુમાનજી મંદિર કે જ્યાં પ્રસાદ સ્વરૂપે ફક્ત અને ફક્ત રોટલી અને રોટલા ચઢાવવામાં આવે છે અને આ રોટલી રોટલાઓ અબોલ જીવો માટે અર્પણ કરવાનું સુતત્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે.તો મંદિર પરિસર ખાતે રૂપિયા 3100 તિથિ દાન લઈ મંદિરમાં કાર્યરત કરાયેલ રોટલી ના મશીન દ્વારા 50 કિલો લોટમાંથી રોટલી રોટલા બનાવી શ્રી રોટલીયા હનુમાનજીને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરી તે રોટલી રોટલાઓ ગાય, કુતરા, વાંદરા સહિતના અબોજીવોને અર્પણ કરવામાં આવે છે.
મંદિર પરિસર ખાતે વડીલો માટે વિશ્રાંતિ સાથે વાંચન અને ધાર્મિક મનોરંજન માટે એલઈડી ટીવીની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આજના યુવા જનરેશન પણ શ્રી રોટલી હનુમાનજી થી પ્રેરિત બની દર મંગળવાર અને શનિવારે મંદિર પરિસર ખાતે શ્રી હનુમાનજી મહારાજની પૂજા અર્ચના અને હનુમાન ચાલીસા ના પાઠ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો નાના બાળકો પણ દાદા ના વાર તહેવારે પોતાના પરિવાર સાથે મંદિર પરિસર ખાતે આવી દાદાને રોટલી રોટલા અર્પણ કરી હિંદુ સંસ્કૃતિને પોતાના જીવનમાં ચરીતાર્થ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં 100 કરતાં વધુ લોકોએ પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં પરંતુ શ્રી રોટલીયા હનુમાનજીના સાનિધ્યમાં રોટલી રોટલાની તુલા દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કરી અબોલ જીવોના આ સેવા કાર્યમાં સહભાગી બની રહ્યા હોવાનું સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.
શ્રી રોટલીયા હનુમાનજી મંદિર પરિસરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આયોજિ રોટલીયા ઉત્સવ ની માહિતી પ્રદાન અર્થે આયોજિત કરાયેલ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી રોટલીયા હનુમાન પરિવારના ઉદયભાઇ પટેલ, વિનયસિંહ ઝાલા, જયેશભાઈ દરજી સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.