બળદો ની સંખ્યા ઘટતા ખેડૂતો એ ટ્રેક્ટરને કૂમ કૂમ તિલક થી વધાવી જમીન ની પૂજા કરી નવા વર્ષે ખેતી ની શુભ શરૂઆત કરી..
પાટણ તા. 22
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર મુહૂર્તમાં ખેતીના શ્રી ગણેશ કર્યા હતા જોકે બળદોની સંખ્યા ઘટતા ખેડૂતોએ ટ્રેક્ટર ને કુમકુમ તિલક કરી ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.
અખાત્રીજે પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને હળ જોડી ને બળદ ની પૂજા કરવામાં આવતી હતી. ત્યાર બાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતી ની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતો એ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.
ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી પાટણ શહેરમાં અને જિલ્લામાં ખેડૂત દ્વારા ટ્રેક્ટર ને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરા ના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચયા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી. અને કોરોના મહામારી નો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર પણ કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી.