52 યજમાન પરિવારો દ્રારા 52 જિનાલયોની મંત્રોચ્ચાર વચ્ચે પ્રદિક્ષણા સંપન્ન કરવામાં આવી..
પાટણ તા. 24
પાટણ શહેરના પીંપળાગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રભુજી ના જીનાલયની 68 મી વર્ષગાંઠની આનંદ ઉલ્લાસ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પાટણ સહિત અન્ય શહેરોમાં વસતા જૈન શ્રેષ્ઠીઓએ મુની ભગવંતોની ઉપસ્થિતિમાં વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી.
જૈનોની તપોભૂમિ ગણાતા પાટણની પાવનધરા જૈન- જૈનેતરો માટે બીજુ કાશી કહેવાય છે. શહેરમાં અનેકવિધ જૈનોના પ્રાચીન જિનાલયો અને દેરાસરો જૈન સમુદાય ના લોકો માટે પૂજનીય બની રહયા છે. ત્યારે પાટણનું પ્રસિધ્ધ પ્રાચીન પંચાસર દેરાસર જૈનો માટે એક મીની યાત્રાધામ ગણાય છે. આજથી 67વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત 2011 જયેષ્ઠ સુદ પાંચમના દિવસે મુંબઇ નિવાસી બાબુભાઇ પુનમચંદ ઝવેરી દ્વારા પંચાસર દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.તે સમયે જૈન ભગવંતમુની આચાર્યશ્રીવલ્લભસુરીના પટભાવક આચાર્ય વિજય સમુદ્રસુરી મહારાજ ની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથની દૈદિપ્યમાન મૂર્તિને સ્થાપીત કરવામાં આવી હતી.
ત્યારે આજે જેઠ સુદ પાંચમના દિવસે પંચાસર જીનાલયની 68મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આચાર્ય મુનીભગવંત મહારાજ સાહેબ તેમજ આદિ ગુરુ ભગવંતો ની નિશ્રામાં સંગીતની સુરાવલી વચ્ચે 17 ભેદી પૂજા યોજાઇ હતી. તો આ દિવ્ય પ્રસંગ ને દિપાવવા માટે પાટણ શહેર સહિત મુંબઇ માં સ્થાયી થયેલા જૈન સમાજના શ્રાવકો મોટીસંખ્યામાં ભગવાન પાશ્વનાથ પ્રભુની દૈદિપ્યમાન મૂર્તિની શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ પૂજાઅર્ચના કરી હતી.
આ પ્રસંગે ધજા આરોહણના ભાગ્યશાળી 52 યજમાન પરીવાર દ્વારા મુનિ ભગવંતોના મંત્રોચ્ચાર વચ્ચે સમગ્ર નાના મોટા 52 જીનાલયોની પ્રદક્ષિણાવિધી સંપન્ન કરવામાં આવી હતી.ત્યારબાદ પંચાસર જિનાલયના મુખ્ય શિખર સહિત 52 શિખરો પર 52 યજમાન પરીવારો દ્વારા જૈન શાસનના જયજયકાર સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.