નવા સત્રથી યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ,કર્મચારીઓ અને સ્ટાફ પરિવાર ને શુદ્ધ પીવાનું પાણી મળશે.
પાટણ તા. 24
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કાયૅરત વિવિધ વિભાગો સહિત હોસ્ટેલો
માં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું યુનિ.ના બાધકામ વિભાગના એન્જિનિયર વિપુલભાઈ સાડેસરા અને કા. કુલસચિવ ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.
આ બાબતે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં પાણીના શુદ્ધિકરણ માટે નાખવામાં આવેલા આરો પ્લાન્ટ જુના થતા તેમજ વારંવાર બગડતા યુનિવર્સિટી દ્વારા તમામ આરો પ્લાન્ટ નવા નાખવા માટે કારોબારી માં 36 લાખનું બજેટ મંજૂર કરવા માં આવતા બાંધકામ વિભાગ દ્વારા પાંચ વર્ષના રીપેરીંગ વર્ક સાથે 28 આરો પ્લાન્ટ નાખવાનું ટેન્ડર કરી કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવતા આરો પ્લાન્ટ નાખવાની કામગીરી યુનિવર્સિટી ના વહિવટી ભવન સહિત વિવિધ વિભાગોમાં અને કન્વેન્શન હોલમાં શરૂ કરવામાં આવ્યું છે.
હાલમાં કેમ્પસના વિવિધ વિભાગોમાં 10 જેટલા આરો પ્લાન્ટ ફીટ કરી દેવા માં આવ્યા છે. વહીવટી ભવન સહિત હોસ્ટેલો, કેમ્પસ તેમજ બાકી વિભાગોમાં આરો પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે. વેકેશન દરમિયાન જ કેમ્પસમાં તમામ નવીન આરો પ્લાન્ટ ફીટ કરી દેવામાં આવતા નવીન શૈક્ષણિક વર્ષથી સ્ટાફ સહિત તમામ વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે તેવું યુનિવર્સિટીના બાંધકામ વિભાગના એન્જિનિયર વિપુલ ભાઈ સાંડેસરા અને કા. કુલસચિવ ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.